(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ એકનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. જા કે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ હત્યારાઓને ઝડપી પાડી પાંજરે પુર્યા છે.
ઉગત વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એસએમસી આવાસમાં રહેતો ૧૯ વર્ષીય વિજય શ્રાવણ બોરકર પરિવાર સાથે રહેતો હતો. પાલનપુર જકાત નાકા નજીક કાર સર્વિસ સ્ટેશનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂપડપટ્ટીમાં લગ્ન હોવાથી ગત રોજ રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. દરમિયાન અન્ય યુવાનો સાથે નાચવા બાબતે થયેલો ઝઘડો થયો હતો. દરમિયાન ધક્કામુક્કી બાદ વિજય અને તેના ૨૪ વર્ષીય મોટા ભાઈ રવિ પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં વિજયની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દીધું હતું. જેથી ભાઈ રવિ બચાવવા જતા તેને પણ પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ હુમલાખોર યુવાનો ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓએ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટુંકી સારવારમાં જ વિજયનું મોત નીપજ્યું હતું. વિજયને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વિજયના ભાઈ રવિના નિવેદન બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસે ગણતરીના કલાકોમાં ઉગત સાઇન એન્ડ સર્વિસ ઝુંપડપટ્ટીમાં રહેતા વિશાલ જગદીશ રાઠોડ , નિલેશ ઉર્ફે લંગડો સુરેશ નાયકા અને મોરાભાગળ ભરૂચી ભાગળમાં રહેતો વિજય ઉર્ફે લાલુ બોખો રાજુ રાઠોડ નામના હત્યારાઓને ઝડપી પાડી પાંજરે પુર્યા છે.