(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
શહેરામાં અકસ્માત મોતના બનેલા જુદા જુદા ત્રણ બનાવોમાં એક અજાણ્યા સહિત ત્રણ વ્યક્તિઓના અપમૃત્યુ થયા હતા. જેમાં સરથાણામાં એક યુવકનું ખાડીમાં ડૂબતા, રાંદેરના કોઝવે પાસે તાપી નદીના પાળા પરથી પગ લપસતા થયેલી ઈજાને કારણે યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય બનાવમાં નાચતા નાચતા જઈ રહેલા યુવકનું થાંભલા સાથે અથડાતા કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા ખાતે ગઢપુર ટાઉનશીપ જવાના રસ્તા પર આવેલી ખાડીમાં ૪૦ વર્ષના અજાણ્યા પુરૂષનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે.
વિયર કમ કોઝવે પાસે આવેલી દેવીપૂજક ઝુંપડપટ્ટીમાં રહેતા ૩૫ વર્ષીય ભરતભાઈ વણાભાઈ દેવીપૂજક નદીના પાળા પરથી પસાર થતા હતા. દરમિયાન પગ લપસતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ બનાવ અંગે ચોકબજાર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જ્યારે અન્ય બનાવમાં લીંબાયત વિસ્તારના ડુંભાલ ખાતે ફાયર બ્રિગેડની સામે પાર્કિંગના થાંભલા સાથે ૪૦થી ૫૦ વર્ષનો યુવક નાચતા નાચતા જોરદાર અથડાયો હતો. જેના કારણે માથામાં જમણા કાનમાં અને પગમાં ઈજા થતા સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે લીંબાયત પોલીસ ચોપડે અકસ્માત અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.