(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. જો કે, માહોલની વચ્ચે સુરતની સ્થિતિ કફોડી બની રહી છે. ડાયમંડ સિટી સુરતમાં હાલ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. વર્ષ-ર૦૦૬ના પૂર બાદ ફરી એકવાર સુરતના રોડ-રસ્તા અને શેરીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી સરથાણા અને પરવત પાટિયા વિસ્તારમાંથી અનેક લોકો સ્થળાંતર કરી રહ્યા છે. પાંચ ખાડી પૈકી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ છે. વળી ઉકાઈ ડેમના ૧૯ દરવાજા ખોલી નખાયા છે અને હજારો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેને પગલે જો શહેરમાંથી પાણી તાપી નદીમાં ન જાય તો ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાડીઓ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર રથી ૩ ફૂટ જેટલા પાણી ભરાતા રોડ-રસ્તા પર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તો અનેક સોસાયટીમાં, ઘરોમાં પાણી ઘૂસ્યા છે. અનેક લોકોને ફાયર વિભાગ દ્વારા બોટથી રેસ્ક્યૂ કરાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. સાથે જ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી જોરદાર મેઘાવી માહોલ જામ્યો છે. તેમાંય છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ર૪પ તાલુકાઓમાં મધ્યમથી અતિભારે વરસાદ ખાબક્યો છે જેમાં ર૧ તાલુકાઓમાં ૪થી ૧ર ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જ્યારે ૬પ તાલુકાઓમાં રથી ૩.પ ઈંચ અને પપ તાલુકાઓમાં ૧થી ર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ વરસાદ આણંદમાં ૧ર.પ ઈંચ નોંધાયો છે જ્યારે સુરતના ઉમરપાડામાં ૧ર ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદ છે છતાં ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક મધ્યમ તો એકાદ બે સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ર૪ કલાકમાં રાજ્યમાં ચોમાસું વધુ આક્રમક બને તેવી શક્યતા છે. જેને પગલે સુરત, ભરૂચ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યમાં સક્રિય થયેલ ત્રણ સિસ્ટમોને પરિણામે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ૧પથી ૧૯મી ઓગસ્ટ દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને સુરતમાં હાલ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ર૦૦૬ના પૂર બાદ ફરી સુરતની શેરીઓમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટિયા વિસ્તારમાંથી લોકોનુું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઉકાઈ ડેમના ૧૯ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ૭૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે શહેરમાંથી પાણી તાપી નદીમાં ન જાય તો સ્થિતિ વધુ બગડી શકે છે. સુરતમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવર ફ્લો થઈ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ નદીઓ વહેતી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પૂરની સ્થિતિ જોતા તંત્રને સાબદું કરાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ સ્થાનિક નદીઓના પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ૩ર તાલુકાઓમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લાઓમાં મેઘાવી માહોલ જામ્યો છે. મોટાભાગના સ્થળોએ એકથી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પરિણામે અનેક સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રાપાડા, ગીર, વેરાવળ, તલાલા, ઉના, અમરેલી, ભાવનગર, રાજુલા, સુરેન્દ્રનગર, લિલિયા, રાજકોટ, ગોંડલ સહિત અનેક સ્થળોએ છેલ્લા ૪ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. જેથી અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયા છે. વરસાદને પગલે ૧૮ સ્ટેટ હાઈવે અને ર૦૭ પંચાયત હાઈવે સહિત રાજ્યના રરપ રસ્તા હાલ બંધ છે. તો અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યારે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને પગલે એનડીઆરએફની ૧પ ટીમો તૈનાત કરાઈ છે.