(સંવાદદાતા દ્વારા) સુરત તા.૪
શહેરના ડિંડોલી વિસ્તારમાં સંયુક્ત કુટુંબમાં રહેતી પરિણીતાને સાસરિયાઓ દ્વારા રૂા.૭ લાખ કે જમીનની માંગણી કરી તારામાં ભૂત પ્રેત છે તેમ કહી ધાર્મિક વિધિ માટે તેણીને લઇ જઈ, શારીરિક-માનસિક ત્રાસ આપતા કંટાળી જઇને તેણીને ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જી.આઇ.ડી.સી હરિયા કોલેજની બાજુમાં શિવાજીનગરના પ્લોટ નં.૧, બ્લોક નંબર.૫, માં કાકા-કાકી સાથે રહેતા ૨૧ વર્ષીય અરવિંદ રાજેશભાઈ યાદવ ડ્રાઇવિંગનું કામ કરે છે. વતનમાં રહેતા માતાપિતાએ તેમની પુત્રી પ્રીતિના લગ્ન મે ૨૦૧૮ માં તેમના ગામ નજીકના મૂળ વતની અને સુરતના ડિંડોલી વિસ્તારની સહજાનંદનગર સોસાયટી પ્લોટ નં.૮૪ માં સંયુક્ત પરિવારમાં રહેતા રાજેન્દ્ર હરિપ્રસાદ યાદવ સાથે કર્યા હતા.લગ્ન સમયે રાજેશભાઈએ પુત્રીના સાસરિયાઓને દહેજ પેટે રૂ.૫ લાખ અને ઘર વખરીનો સામાન આપ્યો હતો. શરૂઆતના બે-ત્રણ માસ સુધી સારી રીતે રાખ્યા બાદ ઓકટોબર મહિનાથી પ્રીતિને તેનો પતિ ઘરના કામકાજ બાબતે શારિરીક-માનસિક ત્રાસ આપી તેના ચારીત્ર્ય ઉપર ખોટી શંકા રાખી ઝઘડો કરતો હતો અને મારપીટ પણ કરતો હતો. તેથી કંટાળી પ્રીતિએ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. અરવિંદે બહેન પ્રીતિને આત્મહત્યા કરવા મજબુર કરનાર તેણીના પતિ રાજેન્દ્ર શ્રીહરિપ્રસાદ યાદવ, જેઠ બબલુ શ્રીહરિપ્રસાદ યાદવ, જેઠ સંજય શ્રીહરિપ્રસાદ યાદવ, જેઠાણી કિરણ બબલુ યાદવ અને સંજય યાદવની પત્ની ( તમામ રહે. પ્લોટ નં.૮૪, સહજાનંદનગર સોસાયટી, ડીંડોલી, સુરત ) વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.