(એજન્સી)                                     નવી દિલ્હી, તા. ૨૮

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ટિ્‌વટ દ્વારા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ આરબીઆઇ ગવર્નર અંગે પીએમ મોદી પર નિશાન સાધીને જણાવ્યું હતું કે, પીએમ મોદીએ શક્તિશાળી ડિફોલ્ટર્સને બચાવવાનુંં કામ કર્યું છે. મંગળવારે કોંગ્રેસના નેતાએ ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, ઉર્જિત પટેલ બેન્કિંગ સિસ્ટમને પારદર્શી કરવા માગતા હતા પરંતુ આના કારણે તેમની નોકરી જતી રહી.  કેમ કે, વડાપ્રધાન મોદી લોન ના ચુકવનારાઓ સામે પગલાં લેવા માગતા ન હતા. ઉલ્લેખનીય છે કે, ઉર્જિત પટેલનું તાજેતરમાં જ એક પુસ્તક બહાર આવ્યું છે જેમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મોદી સરકાર લોન નહીં ચુકવનારાઓ સામે નરમ વલણ અપનાવી રહી હતી અને આરબીઆઇને પણ તેમના પ્રત્યે નરમ રહેવાના નિર્દેશ આપ્યા હતા. આ અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે. કેન્દ્ર સરકાર સાથે વિવાદ બાદ ઉર્જિત પટેલે ૨૦૧૮માં આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું. આ અંગે જ્યારે વિવાદ થયો હતો ત્યારે પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. પુસ્તકમાં દાવો કરાયો છે કે, આરબીઆઇએ ડિફોલ્ટરો અંગે જે સર્ક્યુલર બહાર પાડ્યું હતું તેને સરકાર તરફથી પરત લેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના કાર્યકાળમાં ઉર્જિત પટેલ, રઘુરામ રાજન જેવા આરબીઆઇના ગવર્નરોની નારાજગી ઉભરી આવી છે. જેમાં નોટબંધી, જીએસટી અને સરકારની આર્થિક નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવાયા હતા.