(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૭
ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં ભરબપોરે બે બાઇક પર આવેલા ૪ શખ્સોએ લૂંટના ઇરાદે અંબિકા જવેલર્સમાં ઘુસી ફાયરિંગ કરતા તેમનો સામનો કરતા જ્વેલર્સ સહિત ૨ વ્યક્તિને ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાફલાએ દોડી આવી ફરાર લૂંટારૂંઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચ શહેરની મધ્યમાં પાંચબત્તીના નવદીપ કોમ્પ્લેક્સમાં આવેલ અંબિકા જવેલર્સ પાસે બે બાઈક પર ચાર શખ્સો આવ્યા હતા. જેમાંથી બે શખ્સ દુકાનમાં પ્રવેશ્યા હતા અને સોનાની ચેઇન બતાવવા કહ્યું હતું. જેની લૂંટ કરતા જ્વેલર્સે પડકારતા પાસે રહેલી પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા જ્વેલર્સ નિખિલભાઈ સોનીને પેટના ભાગે ગોળી વાગી હતી. ફાયરિંગ અને બુમાબુમ થતા બાજુમાં આવેલ કલ્યાણી જ્વેલર્સમાંથી તેમનો પિતરાઈ ભાઈ મહેશભાઈ સોની બહાર દોડી આવ્યા હતા અને લૂંટારૂં ટોળકીને પડકારતા બે બાઈક પર ત્રણ જણા ભાગ્યા હતા પણ એકનો પીછો કરતા તેને હાથ પર ફાયરિંગ કરી પિસ્તોલ મૂકી ભાગ્યો હતો, બન્ને ઇજાગ્રસ્તોને પ્રથમ સિવિલમાં અને તે બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભરબપોરે ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. એસપી સહિત પોલીસ કાફલો તુરંત દોડી આવ્યો હતો અને બનાવની વિગતો મેળવી નાકાબંધી, કરવા સાથે આસપાસના વીડિયો ફૂટેજ મેળવી તેના આધારે લૂંટારૂં ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.