(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
મોંઘવારી અને કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહેલી જનતાને સરકારે ડામ આપવાનું ચાલુ રાખ્યું હોય તેમ મંગળવારે એક અઠવાડિયા બાદ ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો હતો. જોકે, પેટ્રોલના ભાવ આઠમા દિવસે પણ સ્થિર રખાયા હતા. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં સામાન્ય વધારો થતાની સાથે જ ઘરેલુ બજારમાં ડીઝલની કિંમતમાં વધારો ઝીંકી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, જૂનમાં સતત ૨૧ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો હતો. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૦.૪૩ રૂપિયા થઇ હતી જ્યારે ડીઝલમાં ૨૫ પૈસાનો વધારો કરાતા તેની કિંમત ૮૦.૭૮ રૂપિયા થઇ હતી. આઇઓસીની વેબસાઇટ અનુસાર કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલની કિંમત ક્રમશઃ ૮૨.૧૦, ૮૭.૧૯ અને ૮૩.૬૩ રૂપિયા થઇ ગઇ હતી. ડીઝલની વાત કરવામાં આવે તો આ મહાનગરોમાં તેની કિંમત ક્રમશઃ ૭૫.૮૯, ૭૯.૦૫ અને ૭૭.૯૧ રૂપિયા પ્રતિલિટર છે.
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો બહાર પાડવામાં આવે છે અને આ ભાવ સવારથી જ અમલી બની જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય કર જોડતા તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોને આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ પેટ્રોલિયમ કંપનીઓ નક્કી કરે છે. ડીલરો પેટ્રોલપંપ ચલાવનારા છે અને તેઓ કાચા તેલની કિંમતો પર વપરાશકારોના અંતમાં કરો તથા પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ખર્ચ પણ જોડાય છે.