શહેરા, તા.રપ
શહેરા નગરના પસાયતા ફળિયામાં ડીપી બળી જતા સ્થાનિક રહીશો ૩૦ દિવસથી અંધારામાં જીવન જીવી રહ્યા છે. એમ.જી.વી.સી.એલ તંત્રએ સ્થાનિક રહીશોની અનેક રજૂઆત બાદ પણ વીજ ડીપી નાખવાની તજવીજ હાથ ધરી નથી.
શહેરા નગરના પસાયતા ફળિયામાં ૫૦ ઉપરાંત રહેણાંક ઘરો આવેલા છે. આ ફળિયામાં પાછલા ૩૦ દિવસથી વીજ ડીપીમાં ખામી સર્જાતા અંધારપટ છવાયો હતો. આ ફળિયાના જાગૃત નાગરિક તૌસીફભાઈ, હનીફભાઇ તેમજ મુસ્તુફાભાઈ સહિતનાઓએ એમ.જી.વી.સી.એલ. કચેરી ખાતે અરજીઓ તેમજ જાણ કરી હતી. રહીશોની રજૂઆત બાદ પણ ૩૦ દિવસ સુધી વીજ ડીપી નવીન નાખવામાં નહીં આવતા ફળિયાના લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આ સ્થાનિક રહીશોનો અંધારૂ થતા પહેલા પરિવાર સાથે ચીમનીના અજવાળે જમવાનું જમે છે. જ્યારે મોબાઈલ અને બેટરી ચાર્જ કરવા માટે શહેરા નગરમાં જવાની નોબત આવી છે. સ્થાનિકો દ્વારા બળી ગયેલ વીજ ડીપી વીજ કચેરી દ્વારા જલ્દી નાખવામાં આવે તેવી અનેક રજૂઆત બાદ પણ વીજ કચેરી દ્વારા વીજ ડીપી નાખી નથી. આ વિસ્તારની વીજ સમસ્યા દૂર થાય તેવી માંગ વીજ ગ્રાહકોમાંથી ઉઠવા પામી છે.
Recent Comments