(સંવાદદાતા દ્વારા) તા.૩૧
ડીસામાં એકસાથે ૭ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી છે. આજે ડીસાના નેસડામાં રહેતા ૨૨ વર્ષીય પુરૂષ, ભીલડીમાં રહેતાં ૩૫ વર્ષીય મહિલા, સોડપુરમાં રહેતા ૪૧ વર્ષીય પુરૂષ, ચંદ્રલોકમાં રહેતાં ૬૮ વર્ષીય પુરૂષ, વડલીફાર્મમાં રહેતાં ૩૫ વર્ષીય મહિલા અને સાર્થક બંગ્લોઝમાં રહેતાં ૬૫ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડીસામાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આજે બપોરના સમયે ડીસામાં ૭ નવા દર્દીઓનો ઉમેરો થતાં કુલ કેસની સંખ્યા ૮૩૯ પહોંચી છે. ઉપરાંત ડીસાના જાણીતા ગાયનેક ડૉ. તપન ગાંધીને કોરોના પોઝિટિવ આવતા જ સમગ્ર હોસ્પિટલમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર હોસ્પિટલ સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે જ્યારે તબીબને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડીસાની કોવિડ હોસ્પિટલમા જ તબીબ સહિત સ્ટાફની નવેક નર્સ કોરોના સંક્રમિત હોવાના અહેવાલ વહેતા થતા જ સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જો કે, આ અહેવાલને આરોગ્ય વિભાગ દ્વારા સમર્થન મળ્યું ન હતું.