(સંવાદદાતા દ્વારા)
ડીસા, તા.૧૧
સુરતનાં આમ આદમી પાર્ટીના પ્રભારી રામભાઈ ધુડક દ્વારા આરોગ્ય મંત્રીની નિષ્ફળ કામગીરીની ફેસબુક પર પોસ્ટ ફરતી કરવા મામલે તેમના ઉપર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેને લઇને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે જે અનુસંધાને શનીવારે ડીસા સાંઈબાબા મંદિર સર્કલ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેને લઇને ડીસા શહેર પોલીસ સજાગ બની હતી અને સવારથી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આરોગ્ય મંત્રીના પુતળા દહન કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો જ્યારે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા જણાવાયું હતું કે આજે ડીસા ખાતે એક પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો પણ કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોની ડીસા દક્ષિણ પોલીસે અટકાયત કરી તમામ કાર્યકરોને દક્ષિણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને થોડાક સમય પછી તેમને છોડી પણ દેવામાં આવ્યાં હતા.