પરિવારજનો લાશ લેવા જ ન આવ્યા, મોતનો મલાજો ન જળવાયો
વૃદ્ધાના પરિવારજનો સામે ચોતરફથી ફિટકારની લાગણી

ડીસા, તા.રપ
ડીસામાં દોઢ મહિના પહેલા કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃદ્ધાને હિંદુ યુવા સંગઠન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૨૬ જૂન ૨૦૨૧ના દિવસે તેણીનું મૃત્યુ થયું હતુ.
જોકે, તે પછી ૨૮ દિવસ નીકળી ગયા છતાં મોતનો મલાજો ન જાળવી વૃદ્ધાના પરિવારજનો મૃતદેહ લેવા ન આવતાં આખરે શનિવારે તંત્રની સૂચનાથી વૃદ્ધાને ડીસામાં કચરાના ઢગલામાંથી હોસ્પિટલમાં લાવનાર હિન્દુ યુવા સંગઠને જ પાલનપુર અંતિમધામમાં અંતિમ ક્રિયા કરી હતી. ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃદ્ધા કમળાબેનને ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની દ્વારા દોઢ મહિના અગાઉ પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં તેમના દ્વારા તેમજ પાલનપુરના જન સેવા એજ પ્રભુ સેવાના નરેશભાઇ સોની, એન. પી.પ્લસ સંસ્થાના નરેશભાઇ સોની, પાલનપુર મફતપુરા વિસ્તારમાં રહેતા હિરાબેન અમરતભાઇ ગેલોતરે છેલ્લે સુધી માજીની સેવા કરી હતી. ૨૬ જૂન ૨૦૨૧ના દિવસે તેમનું મોત નિપજ્યું હતુ. જોકે, તે પછી ૨૮ દિવસ નીકળી ગયા છતાં મોતનો મલાજો ન જાળવી વૃદ્ધાના પરિવારજનો મૃતદેહ લેવા ન આવ્યાં. આખરે શનિવારે તંત્રની સૂચનાથી વૃદ્ધાને ડીસામાં કચરાના ઢગલામાંથી હોસ્પિટલમાં લાવનાર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ ઘનશ્યામભાઈ સોની, કિશનભાઇ ગુજર સાથે ડીસા દક્ષિણ પોલીસ મથકના પીએસઆઇ એસ. જે. પરમારની સૂચનાથી પાલનપુર અંતિમધામમાં અંતિમ ક્રિયા કરી હતી.કમળાબેનને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો જાણે છે કે, કમળાબેનનું નિધન થઇ ગયું છે. તેમ છતાં મૃતદેહ લેવા ન આવી મોતનો મલાજો પણ ન જાળવતાં તેમના ઉપર જિલ્લાવાસીઓ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.