(સંવાદદાતા દ્વારા)
ડીસા, તા.૩
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં લોકડાઉન વચ્ચે પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળે છે તેથી ખાસ કરીને રાહદારીઓની હાલત કફોડી બની જવા પામી છે. ડીસામાં કોરોનાના વધતા જતા કેસોને ગંભીરતાથી લઈ વહીવટીતંત્ર દ્વારા સાંજે ૪ વાગ્યા બાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેથી ધંધા – રોજગાર બંધ થઈ જાય છે પરંતુ લોકોની આવરજવર સતત ચાલુ રહે છે વાહનચાલકો પણ ખુલ્લેઆમ ફરે છે પણ તેમની સાથે રખડતા ઢોર પણ મુખ્ય રસ્તાઓ ઉપર અડીંગો જમાવે છે. લોકોની અને વાહનોની પાંખી હાજરી વચ્ચે જાણે ઢોરોને મોકળું મેદાન મળી જાય છે. તેથી રોડ ઉપર રખડતા ઢોરની સમસ્યા અકબંધ રહેવા પામી છે તેમાં પણ સરદાર બાગ અને પાટણ ચાર રસ્તા સુધી ગાયો સાથે આખલાઓનો વધુ ઉપદ્રવ જોવા મળે છે. જેના પગલે રાહદારીઓ સાથે વાહન ચાલકો ત્રાહિમામ પોકારે છે. રોડ ઉપર ઢોરની આવનજાવન અને અડીંગાના કારણે નાના મોટા અકસ્માત સર્જાય છે તો ભૂરાટા બનેલા ઢોર ઘણી વખત રાહદારીઓને શીંગડે ભેરવે છે તેથી વૃદ્ધો, બાળકો અને મહિલાઓનું તો આવી બને છે…! રખડતા ઢોરની કાયમી બનેલી સમસ્યા મુદ્દે અવારનવાર સ્થાનિક લોકો હોબાળો મચાવે છે તેથી હરકતમાં આવી પાલિકા તંત્ર ઢોર પકડવાના નાટક ભજવે છે જેના મસમોટા બિલ ઉધરે છે પણ પાછળથી ઢોરની સમસ્યા યથાવત જ રહે છે. તેથી તેના કાયમી નિવારણની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.