(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૫
બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાઈ રહેલી ધો.૧૧ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ડીસામાં અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર લીક થવાની ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક તપાસ કરી પેપર લીક કરવામાં ડીસા તાલુકાના વરણ ગામની શાળાના ઇન્ચાર્જ આચાર્યની સંડોવણી જણાતા તેમના વિરૂદ્ધ પગલાં લઈ તાત્કાલિક અસરથી પરીક્ષા રદ કરી નવેસરથી તા.૧૯ એપ્રિલે પેપર લેવાની જાહેરાત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ ચાલી છે. જેમાં ગુરૂવારે ધો.૧૧ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાવાની હતી ત્યારે બુધવારની સાંજે અચાનક અંગેજી વિષયનું પેપર વોટ્સએપમાં ફરતું થઈ જતાં શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પેપર ક્યાંથી લિક થયું તેની તાત્કાલિક તપાસ શરૂ કરાઇ હતી જ્યારે પેપર લીક થવાના પગલે ગુરૂવારે ધો.૧૧ના સામાન્ય પ્રવાહના અંગેજી વિષયની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેથી પરીક્ષા માટે જિલ્લાના ૭ સંકુલોમાંથી ડીસા તાલુકામાં મહર્ષિ કણાદ શાળા વિદ્યા સંકુલના હાથ નીચે ૫૨ જેટલી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ૪૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર પરત ફર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પેપર ક્યાંથી લીક થયું તેની તપાસ શરૂ કરતા લાઈઝન ઓફિસર સહિત તમામ સ્ટાફ ડીસાની આદર્શ હાઈસ્કૂલ સ્થિત મહર્ષિ કણાદ શાળા વિદ્યા સંકુલ ખાતે દોડી આવ્યા હતા અને તાલુકાના તમામ સેન્ટરો પરથી અંગ્રેજી વિષયના સીલ બંધ કવરમાં પેપરો મંગાવ્યા હતા. આ દરમિયાન વરણ ગામના મહાકાળી વિદ્યાલય સ્કૂલનું કવર સીલ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. આ મામલે શિક્ષણાધિકારીએ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભમરાજી જાટની પૂછપરછ કરતા તેઓએ શાળામાં અંગેજી શિક્ષકના હોવાથી પેપરમાં કોઈ ભૂલ હોય તો સુધારો વધારો કરવા આ પેપરનું સીલ ખોલ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. જેથી શિક્ષણ વિભાગે તેમની સામે લેખિત ખુલાસો માગી કાયદેસરની કાર્યવાહી કરી મોડેથી તેઓને સસ્પેન્ડ કર્યા હતા.
ડીસામાં ધો.૧૧ સા.પ્ર.નું અંગ્રેજીનું પેપર લીક થતાં પરીક્ષા રદ : આચાર્ય સસ્પેન્ડ

Recent Comments