ડીસા, તા.ર૧
ડીસા શહેરના ચંદ્રલોક રોડ ઉપર આવેલ એક પાર્લરમાંથી એક યુવકે ઓએસ કંપનીની ૫ રૂપિયાવાળી પાણીની બોટલ ખરીદી હતી પરંતુ આ સીલ પેક બોટલમાંથી મૃત કરોળિયો નીકળતા ચકચાર મચી ગઇ છે. આ બાબતે યુવક દ્વારા કંપનીના કસ્ટમ કેરમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય જવાબ મળ્યો નહતો જેથી મિનરલ પાણીના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરતી આવી કંપની સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મિનરલ વોટરના નામે લોકોના ખિસ્સા ખંખેરતી અનેક કંપનીઓ ફૂટી નીકળી છે તેમજ તેનું ધૂમ વેચાણ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને લોકો પણ નામચીન પાણીની બોટલની માંગ કરતા હોય છે જેથી પાણીની બોટલો વેચતી કંપનીઓ પણ લાખોની કમાણી કરી રહી છે. હકીકતમાં તેમાં સાદું પાણી હોય છે ત્યારે ડીસા શહેરના ચંદ્રલોક રોડ ઉપર આવેલ એક પાર્લર ઉપરથી ગતરોજ એક યુવકે ૫- રૂપિયાવાળી ઓએસ કંપનીની મિનરલ પાણીની બોટલ લીધી હતી પણ આ સીલ પેક પાણીની બોટલમાં મૃત કરોળિયો જોઈ યુવક ચોંકી ઉઠ્યો હતો અને આ મામલે કંપનીના એજન્ટને રજૂઆત કરવાની સાથે કંપનીમાં પણ રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેથી આ કંપની સામે કાર્યવાહી કરવા બનાસકાંઠા ફૂડ વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં પણ રજૂઆત કરવાના યુવકે ચક્રો ગતિમાન કર્યા છે.