ડિસા,તા.૧
ડીસામાં રવિવારે ૬ લાખની ખંડણીના ઇરાદે ગાડી સાથે એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યુ હતું પરંતુ પોલીસે સતર્કતા દાખવી બે આરોપીને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ વેપારીને છોડાવી દીધો હતો. ત્યારબાદ બંનેની પૂછપરછના આધારે અપહરણમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે .
ગત તા.૨૯/૯/૧૯ ને રવિવારના રોજ બપોરના બાર વાગ્યાના સુમારે ડીસા રત્નદીપ સોસાયટી, પારકર ભુવન સામેથી વેપારી અંકુરભાઇ પ્રકાશભાઇ અગ્રવાલ ને તેમની વર્ના કાર (નંબર જીજે. ૮ એ.ઇ.૭૩૬૮) સાથે આરોપીઓએ અગાઉથી બનાવેલ પ્લાન મુજબ પોતાનુ બાઇક ટકરાવી ઘવાયાનો ઢોંગ રચી ઇજા પામનારને દવાખાને લઇ જવો છે તેમ કહી અંકુરભાઇની કારમાં બેસી રસ્તામાં આરોપીઓએ અંકુરભાઇના ગળામાં ચાકુ મૂકી હાથની હથેળીમાં ઇજા કરી ધમકાવી ડરાવી તેમને છોડી મુકવાના તેમના ઘરના સભ્યો પાસેથી રૂ. ૬,૦૦,૦૦૦/-ની માંગણી કરી ગાડીને પણ નુકસાન કરેલ. અંકુરભાઇનું અપહરણ કરી ભગાડી જતાં તેની જાણ થતાં અજીત રાજયાણ, (પોલીસ અધિક્ષક, બનાસકાંઠા પાલનપુર) એ તાબડતોબ બનાસકાંઠાની એલ.સી.બી. તથા પેરોલ ફર્લો, તથા પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફની છ ટીમો બનાવી બનાસકાંઠામાંથી બહાર જતા તમામ રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. જેના પગલે પી.એલ.વાઘેલા, (ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી.)એ તેમના બાતમીદારો તથા રાજસ્થાન બોર્ડરના તમામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તથા જિલ્લા પોલીસની ટીમોને રસ્તાઓ રોકવા સુચનાઓ કરતાં બનાસકાંઠાની તમામ ટીમો તે મુજબ રસ્તાઓ રોકતાં આરોપીઓ અપહરણ કર્તાને લઇ બહાર જઇ શકેલ નહી અને ગણતરીના કલાકોમાં પોલીસના ઘેરાવામાં ડીસા રાંણપુર રસ્તા પાસે બે આરોપીઓ પકડાઇ ગયેલ અને બે અંધારાનો લાભ લઇ નાસી ગયેલા જેમાં પકડાયેલ આરોપી રવિકુમાર કાનજીભાઇ પરમાર (રહે.પાલનપુર સરકારી વસાહત એસ.ટી સ્ટેન્ડની બાજુમાં) અને ભરતકુમાર રમેશભાઇ દરજી (રહે.પાલનપુર જી.આઇ.ડી.સી.રોડ જામપુરા પાણીની ટાંકી પાસે) તથા નાસી ગયેલ આરોપી ગોવાભાઇ મફાજી ઠાકોર(રહે. પાલનપુર ઘેમરપુરા) અને દલપતભાઇ ઠાકોર (રહે.ભોયણ, તા.ડીસા) હતા.