ડીસા, તા.૧૩
ડીસામાં પેટના દુખાવાથી ત્રસ્ત યુવક કોરોના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાંથી આવતો હોવાના કારણે સરકારી અને બે ખાનગી તબીબોએ સારવાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો તેથી સારવાર ન મળતા યુવક અકાળે મોતને ભેટ્યો હતો.
ડીસાના મોચીવાસ ઢેબર રોડ વિસ્તારમાં રહેતા પ્રકાશ ભૂરાજી સોલંકી નામના ૩૮ વર્ષીય યુવકને વહેલી સવારે અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેના પરિવારજનો તેને લઈને ડીસા ની સરકારી હોસ્પિટલમાં ગયા હતા પણ યુવક કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી આવતો હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં હાજર રહેલા સ્ટાફે તેની સારવાર કરવાની ના પાડી દીધી હતી જેથી આ યુવકનો પરિવાર તેને લઈને યુવકની અગાઉ સારવાર ચાલતી હતી એવા હાઇવે સ્થિત ડો. ભરત મકવાણાની હૉસ્પીટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં પણ તબીબે કોઈ જ સારવાર ન કરતા યુવકનો પરિવાર તેને લઈને અન્ય એક ખાનગી હોસ્પિટલ ડોક્ટર રવિ પટેલને ત્યાં ગયા હતા પરંતુ ત્યાં પણ સારવાર મળી ન હતી. પરિવારની રઝળપાટ છતાં તબીબો કે સ્ટાફે કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી આવતા હોવાના કારણે સારવાર કરવાનો ઈન્કાર કર્યો હતો જેના કારણે સતત ત્રણ કલાક સુધી સારવાર ન મળવાને કારણે આ યુવકે રસ્તામાં દમ તોડી દીધો હતો. તેથી કલેકટરના જાહેરનામાનો પણ ભંગ થયો છે ત્યારે લાપરવાહી દાખવતા સરકારી અને ખાનગી ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી આમપ્રજામાં ઉઠવા પામી છે.
ડીસામાં સારવાર ન મળતા યુવકે દમ તોડ્યો

Recent Comments