ડીસા, તા.૧પ
ભાજપ શાસિત ડીસા પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતા આંતરીક વિખવાદ વચ્ચે ખુદ ભાજપના જ સદસ્યોની રજુઆત સાંભળવામાં આવતી ન હોવાની બુમરાડ અનેક વાર ઉઠવા પામી છે તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં ભાજપના સદસ્યો દ્વારા આ મામલે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો અને આ મામલે તેમણે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત પણ કરી હતી જેના પગલે પાલિકામાં ભાજપના મેન્ડેડ ઉપર ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા કાંતિલાલ દલાજી સોનીએ પોતાના અંગત કારણોસર અચાનક રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જેથી પાલિકાની ભાજપની બોડીમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે ભાજપ શાસિત પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી આંતરિક ડખા ચાલતા હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે ઉપપ્રમુખના રાજીનામાને લઈને રાજકીય ગરમાવો પણ સર્જાયો છે ઉપપ્રમુખે અંગત કારણ જણાવ્યું છે પરંતુ રાજકીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવતીકાલે સોમવારે પણ અનેક કોર્પોરેટરો હોદા પરથી રાજીનામું આપે તેવી શકયતા જણાઈ રહી છે જો કે ઉપપ્રમુખના આકસ્મિક રાજીનામાને લઈ પાલિકાની આંતરિક ખેંચતાણ હવે સપાટી ઉપર આવી ગઈ છે જેને લઈ આ મુદ્દો આગામી સમયે ગરમાય તેવી પૂરેપૂરી શકયતા છે હાલમાં તો પાલિકાનો આ વિખવાદ ’ટોક ઓફ ધી ટાઉન’ બની ગયો છે.