(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને લગ્ન સહિતના પ્રસંગોમાં વધતા જતા ઉડાઉ ખર્ચાઓ તથા એકબીજાની હરિફાઈ કરવાના આંધળા જુનૂનથી સમાજની પ્રગતિ રૂંધાઈ રહી છે. ઉપરાંત મુસલમાનો જાણે અજાણે શરીઅત વિરૂદ્ધના કાર્યો કરી ગુનાઓનો ભારો બાંધી રહ્યા છે. આથી સમાજમાંથી કુરિવાજો અને ઉડાઉ ખર્ચાઓ બંધ થાય અને મુસ્લિમ સમાજ શરીઅતના દાયરામાં રહી પ્રસંગો ઉજવે તેવા શુભ હેતુથી સરખેજની હુસેની વકફ કમિટી દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનિય અને તમામ મુસ્લિમોએ અમલમાં મૂકવા જેવો છે.
મુસ્લિમ સમાજમાં સૌથી વધુ ખોટાખર્ચાઓ સગાઈ તથા લગ્નપ્રસંગોમાં કરવામાં આવે છે. આ વાતથી દુઃખી થઈ અમદાવાદ સરખેજની હુસેની વકફ કમિટીના પ્રમુખ સૈયદ યાસીનબાપુએ છેલ્લા કેટલાક વર્ષોથી સ્વખર્ચે સમૂહલગ્નોત્સવ શરૂ કર્યા છે. જેમાં દર વર્ષે પ૦થી વધુ યુગલોના નિકાહ શરીઅત મુજબ પઢાવવામાં આવે છે. તેમ છતાં સમાજનો બહોળો વર્ગ કે જે વ્યક્તિગત લગ્ન કરી રહ્યો છે તેઓમાં ડી.જે. પાર્ટી, નાચગાન, ધાંધલ ધમાલનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તેઓને સમાજના બૌદ્ધિકો કે મૌલાનાઓ સમજાવવા જાય તો તેમની હાંસી ઉડાવી “જીવનમાં એકવાર લગ્ન કરવાના હોય તો જલસા તો કરવા જ પડે ને !” તેવા ઉડાઉ જવાબો આપવામાં આવતા હોય છે. આથી જે લોકો સમાજ સુધારણાનું કામ કરવા ઈચ્છતા હોવા છતાં આવા લોકોના હિસાબે તેમના હાથ પાછા પડી રહ્યા છે. પરંતુ સૈયદ યાસીનબાપુએ શરૂઆત કરી સમગ્ર મુસ્લિમ સમાજને અનેરી રાહ ચિંધી છે.
‘ગુજરાત ટુડે’ સાથેની વાતચીતમાં યાસીનબાપુએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચાઓ, કુરિવાજો દૂર કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. છતાં અમે સરખેજ વિસ્તારથી શરૂઆત કરી છે. સૌપ્રથમ તો અમે ઘરે ઘર જઈ લોકોને સમજાવ્યા કે લગ્નોમાં નાચગાન, ડાન્સપાર્ટી, ડી.જે. પાર્ટી, બેન્ડવાજા કે ફટાકડાઓના ખોટા ખર્ચાઓ બંધ કરી, શરીઅત મુજબ નિકાહ પઢાવવામાં આવે. આમાં અમને કેટલીક જગ્યાએ વિરોધનો પણ સામનો કરવો પડ્યો. ખરૂં ખોટું સાંભળવું પણ પડ્યું. તેમ છતાં સારૂં કામ કરવા નિકળ્યા હતા એટલે અલ્લાહ પર ભરોસો રાખી અમારૂં મિશન જારી રાખ્યું, એમાં અમને સફળતા મળી. દરેક મસ્જિદના ઈમામ સાહેબો, સોસાયટીના જવાબદારો વિવિધ જ્ઞાતિના આગેવાનો તમામ હોલ અને પાર્ટી પ્લોટના માલિકો સાથે પણ મીટિંગ કરી તમામને શરીઅતના દાયરામાં રહી લગ્ન, સગાઈ, બિસ્મિલ્લાહ વગેરે જેવા પ્રસંગોમાં સુન્નત તરીકો અપનાવવા સમજાવવામાં આવ્યા, એનું પરિણામ એ આવ્યું કે તમામ પાર્ટી પ્લોટ હોલના સંચાલકો અને સોસાયટીના જવાબદારોએ જાહેરાત કરી કે સ્થાનિક લોકોએ કે બહારથી આવતા બરાતીઓએ પાર્ટીપ્લોટ કે સોસાયટીમાં ડી.જે. અને બેન્ડ લઈને પ્રવેશવું નહીં. અમે સરખેજ વિસ્તારથી આની શરૂઆત કરી છે અને આગામી દિવસોમાં અમદાવાદના તમામ મુસ્લિમ વિસ્તારોના આગેવાનો અને મસ્જિદોના ઈમામ સાહેબોને સાથે રાખી આ મુજબનો અમલ કરવાના પ્રયત્નો હાથ ધરીશું. મસ્જિદોના ઈમામ સાહેબો કે જે નિકાહ પઢાવતા હોય તેમણે પણ ડી.જે. બેન્ડ વગાડીને, આવતા કે ફટાકડા ફોડીને આવતા કે દારૂ પી આવ્યા હોય તેવા લોકોના નિકાહ ન પઢાવવા જોઈએ એવું ન થઈ શકે ? તેના જવાબમાં સૈયદ યાસીનબાપુએ જણાવ્યું કે, અમે આની શરૂઆત કરી હતી પરંતુ સ્થાનિક ઈમામ નિકાહ પઢાવવાની ના પાડે તો લોકો ગમે ત્યાંથી કાઝીને લઈ આવી નિકાહ પઢાવી લેતા હતા. જેનાથી સ્થાનિક ઈમામોનો હક પણ છિનવાતો હતો. આથી અમે લોકોને જ જાગૃત કરવાનું શરૂ કર્યું છે જેના સારા પરિણામો મળી રહ્યા છે.
ડી.જે., બેન્ડ અને ફટાકડાઓનો ઘોંઘાટ બીમાર, અશક્તો, વૃદ્ધો માટે ત્રાસદાયક
લગ્નપ્રસંગ સહિતના ખાસ પ્રસંગોમાં આજકાલ બેન્ડ અને ડી.જે.નો જે પ્રકારે ઉપયોગ વધી ગયો છે તેનાથી નાણાંનો ધુમાડો તો થઈ જ રહ્યો છે સાથે સાથે લોકોની મુસીબતમાં પણ વધારો થઈ રહ્યો છે. લગ્નની આગલી રાત્રિએ કેટલાક નાદાન લોકો ડી.જે. બોલાવી કાનફાડી નાખે તેવા અવાજોમાં ગીત સંગીત વગાડી, શોરબકોર અને ચિચિયારીઓ પાડતા હોવાથી આસપાસના મકાનો કે સોસાયટીઓમાં રહેતા લોકોની રાતની નિંદર હરામ થઈ જાય છે. ખાસ કરીને વૃદ્ધો, અશક્તો અને બીમાર લોકો માટે આવા અવાજો ખૂબ જ ત્રાસદાયક બની રહે છે. ઉપરાંત હવે તો તોપની જેમ ઘાણીફૂટ ફટાકડાઓ ફોડીને પણ કેટલાક બંધ મગજના લોકો વિકૃત આનંદ માણતા હોય છે. પરંતુ તેમની વિકૃતતા અન્ય લોકો માટે સમસ્યા બની જાય છે. આથી દરેક મહોલ્લા, સોસાયટી, સમાજ કે વિવિધ જ્ઞાતિના લોકોએ આગળ આવી આવા ખોટા અને અન્યો માટે ત્રાસદાયક ખર્ચાઓ બંધ કરાવવા જોઈએ.
મુસ્લિમો લગ્નોના ખોટા ખર્ચાઓ બચાવી તે રકમ ગરીબોના કલ્યાણ માટે વાપરે
મુસ્લિમ સમાજે સમાજમાંથી કુરિવાજો દૂર કરવા કે ખોટા ખર્ચાઓ બચાવવાની ઝુંબેશ ઉપાડવાની સાથે-સાથે જે તે વ્યક્તિ પાસેથી બચેલા નાણાં એકઠા કરી તેને સમાજના ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચાય તે માટે દરેક વિસ્તારના વિશ્વાસુ લોકોએ એક ટ્રસ્ટ પણ બનાવવું જોઈએ. પહેલાં તો દરેક મુસ્લિમ વિસ્તારના પાંચ-દસ બૌદ્ધિકો આગળ આવી એક ટ્રસ્ટ બનાવે ત્યારબાદ તે વિસ્તારની તમામ પોળ, મહોલ્લા કે સોસાયટીના આગેવાનોની કમિટી બનાવે. આ કમિટીના સભ્યો તેમની આસપાસ કોઈ શુભ કે લગ્ન પ્રસંગ હોય ત્યાં જઈ ઘરમાલિકને ખોટા ખર્ચા ન કરવા અને આ બચેલા ખર્ચાની અમુક રકમ ટ્રસ્ટમાં જમા કરાવવા સમજાવે. આ ઉપરાંત દરેક ઘરમાંથી દર મહિને દસ રૂપિયાથી લઈ સો રૂપિયા કે તેથી વધુ રકમ ઉઘરાવે અને ટ્રસ્ટમાં જમા કરાવે. આ રકમ સમાજના ગરીબ બાળકોના શિક્ષણ, રોજગારી, ગરીબ બેટીઓના લગ્ન કે અન્ય નેક કામમાં વાપરવામાં આવે તો સમાજમાંથી બુરાઈઓ તો નષ્ટ થશે જ સાથે-સાથે આર્થિક સધ્ધરતા પણ વધતી જશે.
ડી.જે., બેન્ડ વગાડી પાર્ટીપ્લોટ કે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં

Recent Comments