કોડીનાર, તા.૧૨
ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી કોડીનારના સરપંચોને સતત હડધૂત કરી ભારે હેરાનગતિ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોડીનાર સરપંચ સંઘે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી અહંકારી જિલ્લા વિકાસ અધિકારી સામે સત્વરે કાર્યવાહી કરવા માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ કોડીનારના તમામ સરપંચો પંચાયતના નીતિ નિયમ મુજબ સરકારની તમામ યોજનાઓ અને વિકાસના કામો કરતા હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચો વિરુદ્ધ ખોટી રીતે તપાસો હાથ ધરીને ૫૭ (૧)ની નોટીસો માનસિક ત્રાસ આપી ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સરપંચો કોઈ રજુઆત કરવા જતાં હોય ત્યારે આ અધિકારી જાહેરમાં સરપંચોને ચોર જેવા શબ્દોથી બોલી અપમાનિત કરી સરપંચોની રજુઆત સાંભળ્યા વિના ઓફિસમાંથી કાઢી મુકતા હોવાનું જણાવ્યું છે. તેમજ સરપંચોને નોટીસો આપી હેરાનગતિ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે કોડીનાર તાલુકાના બધા સરપંચો તેમના હોદ્દાનો બચાવ કરવા માટે આ અધિકારી સામે ના છૂટકે ૭ દિવસમાં સામૂહિક રાજીનામા આપી તાલુકા-જિલ્લા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ રજૂઆતને ગંભીરતાથી લઇ તપાસ કરી સત્વરે પગલાં ભરવા ઉગ્ર માંગ કરી છે.