(એજન્સી) તા.૩
ભારે વરસાદને કારણે ઊભા ખરીફ પાકને નુકસાન થતાં ડુંગળીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ડુંગળીનો ભાવ અનેક શહેરોમાં પ્રતિ કિલો રુ.૮૦થી વધુ જોવા મળ્યો છે. એગ્રી બિઝનેસ રીસર્ચ એન્ડ ઇન્ફર્મેશન કંપની એગ્રી વોચના સીઇઓ ભાસ્કર નટરાજનનું માનવું છે કે ડુંગળીના ભાવમાં વધારા પાછળનું મુખ્ય કારણ એ છે કે ખરીફ મોસમમાં ડુંગળીના ઉત્પાદન અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ન્યૂઝ ૧૮ સાથેની એક ખાસ મુલાકાતમાં નટરાજને ડુંગળીના વધતાં જતાં ભાવ, ભાવની પેટર્ન, નિકાસ પર પ્રતિબંધ અને જથ્થાબંધ બજારના કાર્ટેલ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી છે. અત્રે તેમની મુલાકાતના મુખ્ય અંશો પ્રસ્તુત છે. ડુંગળીના ભાવમાં આટલા બધા ઉછાળાનું મુખ્ય કારણ શું છે ? એ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખરીફ મોસમમાં ડુંગળીના ઉત્પાદનની અનિશ્ચતતાને કારણે ડુંગળીના ભાવ વધ્યાં છે. સામાન્યતઃ રવિ પાક સારો હોય છે પરંતુ ખરીફ પાકમાં જો કોઇ મોટું નુકસાન થાય તો તે સંગ્રહ કરેલા રવિ પાકના પુરવઠા પર બોજ વધારે છે. ઓગસ્ટમાં જ્યારે આખરી સર્વે થયો ત્યારે ખરીફ પાક જરુરિયાત મુજબનો નહીં હોય એવું બહાર આવતાં ભાવો વધવા લાગ્યાં છે. ડુંગળીના ભાવોની પેટ્રર્ન અંગે વાત કરતાં નટરાજને જણાવ્યું કે દર બે વર્ષે ઘણા પાકોમાં ખાસ કરીને નાશવંત ચીજવસ્તુઓમાં આવી પેટર્ન જોવા મળે છે. તેનું કારણ એ છે કે જ્યારે ખેડૂતોને એવું લાગે કે ગત વર્ષમાં પાકના ભાવ સારા હતા તેથી તેઓ ચાલુ વર્ષમાં વધુ વાવેતર કરે છે જેને કારણે ઓવર સપ્લાય થાય છે અને જ્યારે તેમને સારા ભાવ મળતાં નથી ત્યારે તેઓ ડુંગળીનું વાવેતર કરતાં નથી જેને કારણે ઓછું ઉત્પાદન થાય છે. આમ દર બે ત્રણ વર્ષે આ પેટર્ન ચાલુ રહે છે. નટરાજને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે મારું એવું માનવું છે કે નિકાસ પરનો પ્રતિબંધ માત્ર છેલ્લા ઉપાય તરીકે અમલ કરવો જોઇએ. જ્યારે આપણે એકાએક નિકાસ પર પ્રતિબંધ મૂકીએ છીએ ત્યારે વિદેશી ગ્રાહકોને ડુંગળીઓનો વૈકલ્પિક સ્ત્રોત શોધવાની ફરજ પડે છે અને તેથી તેઓ ભારતને અવિશ્વસનીય સપ્લાયર તરીકે જોશે અને કૃષિ નિકાસ વધારવાનું આપણું દુરોગામી લક્ષ્યાંક પ્રભાવિત થશે.
Recent Comments