મોડાસા, તા.૧૦
અરવલ્લી જિલ્લામાં અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી હોવાની બૂમો સમયાંતરે ઊઠતી રહી છે. જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષ દહાડે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાતે હોવાથી કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરો સાથે હાથ મિલાવી લે છે અને લાઈનો ચાલવા માંડે છે. બુટલેગરો માટે સિલ્ક રૂટ ગણાતા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કરોડો રૂપિયાના આસામી બની ચૂક્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વિદેશી દારૂના ધંધામાં રહેલી મબલખ કમાણીની લાલચમાં અનેક પોલીસકર્મીઓ બુટલેગર બની વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપાઈ ચૂક્યા છે. થોડા મહિના અગાઉ ગાંધીનગર એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગઢવીનું નામ ખૂલ્યું હતું જેના પગલે રેન્જ આઈજીએ સસ્પેન્ડ કર્યોના ગણતરીના દિવસો બાદ રેન્જ આઈજીએ સસ્પેન્ડેડ મહેશ ગઢવીને મહેસાણા હેડક્વાટર હાજર થવા હુકમ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચવાની સાથે હવે કોનો વારોની ચર્ચાએ જોર પકડ્યું છે.
૫ મહિના અગાઉ ગાંધીનગર એલસીબી પીએસઆઈ ઝાલાએ ડુમેચા નજીક ટ્રાવેરામાંથી ૧ લાખ રૂપિયા જેટલો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારે બુટલેગરોએ એલસીબી પોલીસને ગઢવી સાહેબ સાથે ફોન પર વાત કરી લો તેમ જણાવતા પીએસઆઈ ઝાલા ચોંકી ઊઠ્યા હતા અને ગઢવી નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા પછી અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો ગઢવી નામનો પોલીસકર્મી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી જ્યોતિ પટેલને સોંપવામાં આવી હતી. તેમની ટીમે જે તે સમયે અરવલ્લીમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવ્યો હોવાની બૂમો ઊઠી રહી હતી. ત્યારે રેન્જ આઈજી તરીકે અભય ચુડાસમાએ પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગઢવીને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં આનંદ છવાયો હતો. સસ્પેન્ડ કરાયાના બે મહિનાની અંદર આઈજીએ મહેસાણા જિલ્લામાં બદલી કરી હેડક્વાટર હાજર થવાનો હુકમ કર્યો છે.
ડુમેચા નજીક કારમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ સસ્પેન્ડ કોન્સ્ટેબલ ગઢવીની મહેસાણા હેડક્વાર્ટરમાં બદલી

Recent Comments