(સંવાદદાતા દ્વારા)                    સુરત, તા.૪

રાંદેર તાડવાડી વિસ્તારમાં રહેતી મહિલા ડૉક્ટરનો ડુમ્મસ ગામ વી.કે. ફાર્મ કો-ઓપ, ખેતી સામુદાયિક સહકારી મંડળી લિમિટેડ (આગમ ગ્રીન વીલે કો.ઓ. હાઉસિંગ સોસાયટી) હેઠળ કરવામાં આવેલા પ્લોટિંગમાંં આવેલ પ્લોટ બે બહેનોએ પચાવી પાડ્યો હતો. તેમજ ડોક્ટરને તેને હોસ્પિટલ બંધ કરાવી લાયસન્સ રદ્દ કરાવી  દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ડૉક્ટર દ્વારા પ્લોટની દેખરેખ માટે મૂકવામાં આવેલા બે કર્મચારીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે મહિલા ડૉક્ટરની ફરિયાદ લઈ બે બહેનો સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. ડુમ્મસ પોલીસના જણાવ્યા મુજબ રાંદેર રોડ તાડવાડી શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને લવ એન્ડ કેર હોસ્પિટલ ચલાવતા ડૉક્ટર દિપ્તી પટેલે ગઈકાલે રીટા ગુણવંત બારોટ અને હેલી ગુણવંત બારોટ (રહે.સીમાનગર, તાડવાડી, રાંદેર રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી. ડૉક્ટરના જણાવ્યા મુજબ ડુમ્મસમાં વી.કે. ફાર્મ કો-ઓપ, ખેતી સામુદાયિક સહકારી મડંળી લિમિટેડથી ઓળખાતી જમીનમાં આગમ ગ્રીન વીલા કો-ઓપ હા. સોસાયટીના નામથી પ્લોટિંગ કરવામાં આવ્યા છે. જે પૈકી રીટા બારોટ પાસેથી દિપ્તીના મમ્મી મંજુલા પ્રવિણચંદ્ર પરીખે પ્લોટ નં.૪૬ ખરીધ્યો હતો. આ પ્લોટનો વહીવટ દિપ્તીબેનને સોંપવામાં આવ્યો હતો જેના કાયદેસરના લખાણ પણ હયાત છે. જો કે, રીટા અને હેલીએ બારોબાર પ્લોટનો વહીવટ કરીને દિપ્તીબેન સાથે છેતરપિડીં કરી હતી. આ સિવાય પ્લોટની રખેવાળી કરતા નિલેશ અને પ્રતાપભાઈને પણ સ્થળ પરથી કાઢી મૂક્યા હતા. હકીકતની જાણ થતાં ડૉક્ટરે બંને બહેનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. ત્યારે બંનેએ ખોટા કેસમાં ફસાવીને હોસ્પિટલને તાળાબંધી કરાવી દેવાની ધમકી સુદ્ધા પણ ઉચ્ચારી હતી, બનાવની તપાસ પોલીસ કરી રહી છે.