કોલકાતા, તા. ૨૨
કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે શરૂ થયેલી ડેનાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે આ ટેસ્ટ મેચને યાદગાર બનાવવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોલકાતાના ઐતિહાસિક મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચનું ઉદ્‌ઘાટન કરવા માટે પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પહોંચ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, હરભજનસિંહ અને અન્ય તમામ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ ટેસ્ટ મેચને જોવા માટે તમામને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશની પ્રથમ ડેનાઇટ ટેસ્ટ મેચ દરમિયાન લંચ બ્રેક વેળા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ ગાળા દરમિયાન સચિન, કુંબલે, હરભજન અને વીવીએસ લક્ષ્મણે આ ઐતિહાસિક સ્થળ પર આઈકોનિક ક્ષણોની યાદ તાજી કરી હતી જેમાં વિન્ડિઝ સામે ૧૯૯૩ના હીરો કપની ફાઈનલ અને ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચની યાદોનો સમાવેશ થાય છે.