અમદાવાદ, તા.૨૮
કોરોનાની મહામારીથી પ્રજાને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી ફરજ બજાવતા સાચા કોરોના વોરિયર્સ તબીબો સહિતનાઓનું સન્માન કરવા સરકારે થાળીઓ, તાળીઓ વગાડાવી, હેલિકોપ્ટર દ્વારા પુષ્પો વરસાવ્યા એજ તબીબોએ હવે તમામ તબીબોના કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરાવવાની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા સરકારની પોલ ઊઘાડી પડી ગઈ છે. ડૉક્ટરોના સંગઠન અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની રીટ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોરોના પોઝિટિવના દર્દીઓ ઘટયા છે તેવું ચિત્ર ઊભું કરવા માટે ટેસ્ટ કરવાનું લગભગ બંધ કરી દીધું છે, નહીવત સંખ્યામાં ટેસ્ટીંગની પ્રક્રિયા ચાલુ રાખી છે. જ્યારે જેઓ નાણાં ખર્ચી શકે છે. તેવા દર્દીઓ પૈસા ખર્ચી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હતા તેના પર પણ આડકતરા નિયંત્રણો લાવી કેસની સંખ્યા ઘટાડી દીધી છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતાં તબીબો અને નર્સિંગ સ્ટાફ પર સરકારની આ વ્યૂહરચનાની વિરૂદ્ધ અસર થઈ છે. જે ડોક્ટર અને નર્સમાં કોરોનાની અસર દેખાતી હતી, તેમના પણ ટેસ્ટ થતાં ન હતા અને પોઝિટિવ દર્દીનું તત્કાલ નિદાન થાય તે જરૂરી હોવા છતાં જેમના ટેસ્ટ થયા છે તેમના રિપોર્ટ ત્રણ ચાર દિવસે આવતા હતા. આ ઉપરાંત જે દર્દીની સર્જરી કરવાની છે તેવા દર્દીનો કોરોના ટેસ્ટ કરવો જરૂરી હોવા છતાં તેમના રિપોર્ટમાં પણ વિલંબ થતો હતો. આમ સરકારી આંકડાની પોલ અમદાવાદ મેડીકલ એસોશિએશને ખોલી નાખી અને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગવા આવવું પડ્યું કે, તબીબોના ટેસ્ટ થતાં નથી, જે તબીબો પોઝિટિવ થયા છે તેમના ટેસ્ટ સમયસર થયા હોત તો તેમને જલ્દી સારવાર મળી હોત. ગુજરાત હાઈકોર્ટે આ મામલાની સુનાવણી હવે શુક્રવાર પર રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ભૂમિકાને લઈને વિવિધ અખબારના સમાચારને ધ્યાનમાં રાખી ખુદ જસ્ટીસ જે બી પારડીવાલાએ એક સુઓમોટો પીટીશન દાખલ કરી છે જે પણ હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત વિવિધ સમાચાર માધ્યમોએ ટેસ્ટ ઘટી રહ્યા છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરતાં ભાજપ આઈટી સેલ એ મીડિયા વેચાઈ ગયું છે તેવો આરોપ પણ મુક્યો હતો પણ હવે અમદાવાદ મેડિકલ એસોશિએશન જ્યારે આ મામલે બહાર આવ્યું છે ત્યારે આઈટી સેલ તબીબો પણ વેચાઈ ગયા છે તેવો આરોપ પણ મૂકે તો નવાઈ નહીં. અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખ ડો. મોનાબેન દેસાઇએ માહિતી આપતાં કહ્યું કે, અમારે ડોક્ટરોના જાનની સલામતી માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવવાની ફરજ પડી છે. કેમ કે ગુજરાત સરકાર કોરોનાની સારવાર કરનાર અને કોરોના સિવાયની અન્ય તબીબી સેવા આપનાર ડોક્ટરોના કોરોના ટેસ્ટીંગ માટે તૈયાર નથી. કોરોના સામેની લડાઇમાં અમારા પાંચ ડોક્ટરો શહીદ થઇ ગયા છે. ૪૦થી ૫૦ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડોક્ટરોની પણ જિંદગી છે, તેમના ઘર પરિવાર છે. અમે કોરોનામાં કામ કરવાની ના પાડી નથી. પણ જ્યારે ડોક્ટર એમ કહે કે અમે કોરોનાના પેશન્ટની સારવાર કરીએ છીએ ત્યારે સંભવ છે કે ક્યાંક તેમનો ચેપ લાગી જાય તો….? તેથી ડોક્ટરોની એક જ માંગણી છે કે અમારા કોરોના ટેસ્ટ કરાવો, બસ.