અમદાવાદ, તા.૧૧
આયુર્વેદિક ડૉકટરોને વિવિધ સર્જરી કરવાની છૂટ આપવાના નિર્ણય સામે દેશભરમાં શુક્રવારે ડૉકટરોએ એક દિવસીય હડતાળ પાડી હતી. જેમાં ગુજરાતના ૩૦ હજારથી વધુ ખાનગી ડૉકટરો જોડાયા હતા. તેઓએ એક દિવસ માટે હડતાળ પાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો આયુર્વેદિક ડોક્ટરોને આંખ, કાન, નાક, ગળા સહિતની ૫૮ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા એક દિવસીય હડતાળ પાડવામાં આવી હતી, જેમાં ગુજરાતના ૩૦ હજારથી વધુ ખાનગી ડોક્ટરો હડતાળ પર જોડાયા હતા. શુક્રવારે સવારે છસ્છ ખાતે ડોકટરોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ, અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા તબીબો સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ હડતાળમાં કોરોના ઉપરાંત ઈમર્જન્સી સેવાઓને કોઈ અસર નહિ થાય, પરંતુ એ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના સેક્રેટરી ડો. કમલેશ સૈનીએ મીડિયાને જણાવ્યું હતું કે શુક્રવારે તમામ પ્રકારની બિન-કોવિડ સેવાઓ, જેવી કે ઓપીડી, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન વગેરે બંધ રહી હતી. ઇમર્જન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે, બાકીની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી હતી. ગત મંગળવારે આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરીના વિરોધમાં સુરત આઈએમએ સાથે જોડાયેલા તબીબો દ્વારા વિવિધ જગ્યાએ વિરોધપ્રદર્શન અને ધરણાં કર્યાં હતાં. આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરો ૫૮ સર્જરી કરી શકે એ નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળું અને દાંતની પણ સર્જરી કરી શકશે, એ માટે મોડર્ન મેડિસિન શાખાના તબીબો નારાજ થયા છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં આઈએમએ દ્વારા ગત મંગળવારે મજૂરાગેટ, તાડવાડી રાંદેર રોડ, ભટાર, વરાછા, નવી સિવિલ હોસ્પિટલ, સ્મિમેર અને કામરેજ ખાતે અલગ અલગ જગ્યાએ ધરણાં અને વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Recent Comments