ડભોઈ, તા.ર૯
ડભોઈમાં આવેલી આદિજાતિ વિકાસ સંચાલિત ડૉ.ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના ૭૦ ઉપરાંત બાળકોને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠવા પામી હતી તે પૈકી બે બાળકોને વધુ ઝાડા ઉલ્ટી થતા તેઓને ડભોઈન૧ી પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા ત્યાં તેઓને ફુડપોઈઝનિંગની સારવાર અપાઈ રહી છે. આ બનાવ બનતા આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા તો આરોગ્ય વિભાગની ટીમ પણ છાત્રાલયમાં સારવાર કરવા પહોંચી ગઈ હતી.
ડભોઈ નાંદોદી ભાગોળ પાસે વડોદરા જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ડૉ.ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય આવેલું છે. આ છાત્રાલયમાં આદિવાસી વિસ્તારના વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, નર્મદા જિલ્લો, નસવાડી, પાવીજેતપુર, તીલકવાડાના ૧રપ છાત્રો રહી અભ્યાસ કરે છે. આ છાત્રાલયમાં હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતું હોવાની બૂમો ઉઠવા પામી હતી તે અંગેનો અહેવાલ અખબારમાં છપાયો હતો. ગઈકાલે સાંજથી આ છાત્રાલયમાં અભ્યાસ કરતા ૧રપ છાત્રો પૈકી ૭૦ ઉપરાંત છાત્રોને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠવા પામી હતી.
તો આ છાત્રો પૈકી વિક્રમ નાનખાભાઈ ડુંગરાભીલ રહે. ગેસવાડી, તા.નસવાડી, જિ. છોટાઉદેપુર અને રાઠવા કુન્તલ અર્જુનભાઈ રહે. સટુંન જેતપુર પાવી જી. છોટાઉદેપુરનાઓની તબિયત વધુ લથડતા બંને છાત્રોને રાત્રીના તાત્કાલિક તેમના મિત્રો દ્વારા પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી અને તેમના વોર્ડના પી.ઓ.શાહને પણ જાણ કરાઈ હતી. તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ગુડિયા રાણીના નેતૃત્વમાં બનેલી ડોક્ટરની ટીમ પણ છાત્રાલય પહોંચી સારવાર શરૂ કરી દીધી હતી. તેમ છતાંય બીજા દિવસે બીજા બે છાત્રોને ભીલ દીલીપ માવસિંગભાઈ તેમજ રાઠવાદીપક રોહિતભાઈને તબિયત વધુ લથડતા ઘનિષ્ઠ સારવાર ત્યાં જ અપાઈ હતી. જે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં બે છાત્રોને દાખલ કરાયા છે તેમને ફુડ પોઈઝનિંગ થયું હોવાનું નિદાન થયું છે. જેના કારણે બધા જ છાત્રોને તબીબોની ટીમ દ્વારા ફુડ પોઈઝનિંગની સારવાર આપવામાં આવી હતી. ૧ર કલાક બાદ બધા જ છાત્રોની સુધારા પર છે.
આ બનાવ બનતા વડોદરા જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારી એ.એચ.શાહ દોડી આવ્યા હતા. તેમને પ્રાથમિક દૃષ્ટિએ આવો બનાવ બનવા પાછળ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી પ્રદુષિત હોવાના કારણે આ બનાવ બનવા પામ્યો હતો. બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પીવાના પાણીના નમૂના લઈ લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા છે.
ત્રણ જગ્યાનો ચાર્જ સંભાળતો વોર્ડન
આ છાત્રાલયમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા કર્મચારીને ત્રણ જગ્યાનો ચાર્જ હોવાથી પૂરતું ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. આ કુમાર છાત્રાલયમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા પી.ઓ.શાહ જેઓને ડભોઈ અને શિનોર છાત્રાલયોનો અને વડોદરા તકેદારી કચેરીમાં પણ રોજે રોજ ફરજ બજાવવા જવું પડતું હોવાનું જાણવા મળે છે.
આ છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોની તંદુરસ્તી માટે ઓ.આર.એસ.ની દવાઓના પડીકા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે તેનું વિતરણ પણ કરાતું નહીં હોવાની ગંભીર હકીકતો પ્રકાશમાં આવી છે.