(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
નરોડમાં વર્ષ ૨૦૦૨ના કોમી રમખાણના કેસમાં જામીન ઉપર મુક્ત થયેલા પૂર્વ મંત્રી ડૉ. માયાબેન કોડનાનીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી જામીનની શરતોમાં રાહત આપવા માટેની રજૂઆત કરી હતી.
અરજીમાં માયાબેન કોડનાનીએ ગુજરાત બહાર જવા માટેની મંજૂરી માંગી હતી. આ અંગેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે કેટલીક શરતોને આધીન અરજીને મંજૂર કરી હતી. સેશન્સ કોર્ટે મુકેલી શરતો અનુસાર ગુજરાત બહાર ક્યાં સ્થળે જવાનું તેની જાણ તપાસ અધિકારીને માયાબેન એ કરવાની રહેશે. પોતાનાં તમામ મોબાઇલ નંબર ચાલુ રાખવાનો પણ કોર્ટનો હુકમ કર્યો છે. કેસના તપાસ અધિકારીને ગુજરાત પરત ફર્યા બાદ તમામ માહિતીઓ આપવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં નરોડમાં થયેલ કોમી રમખાણોમાં માયાબેન કોડનાની પર ટોળાને ઉશ્કેરવાનો તથા ટોળાની આગેવાની લેવાના આરોપ છે.