(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૦
અમેરિકાના ન્યુજર્સી સ્થિત એક જાણીતા ડોક્ટરે ભાડુઆતી હત્યારા દ્વારા પોતાની પત્નીની ઠંડે કલેજે હત્યા કરાવી દીધી હતી. પત્નીએ ડોક્ટર દ્વારા મોટરસાઈકલ ગેંગ સાથે મળી ચલાવાતા ગેરકાયદેસર પ્રિસ્ક્રીપ્શન ડ્રગના કૌભાંડનો પર્દાફાશ કરવાની ધમકી આપતા આ પગલું ભરવામાં આવ્યું હતું. એટલાન્ટિક સિટી બહાર લીનવૂડ નામક એક નાના નગરમાં રહેતા ૬૮ વર્ષીય જેમ્સ કોફમેનની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પત્ની એપ્રિલ કોફમેન એક સ્થાનિક રેડિયોમાં હોસ્ટ તરીકે કામ કરતાં હતા. ૬૧ વર્ષીય એપ્રિલ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ હત્યાના પાંચ વર્ષ બાદ પોલીસ સાચા આરોપીઓ સુધી પહોંચી શકી હતી. ધી એટલાન્ટિક કાઉન્ટી પ્રોસેક્યુટરના અધિકારીએ એફબીઆઈ તથા અન્ય તપાસ સંસ્થાઓ સાથે મળી હત્યા કેસની તપાસ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ડોક્ટર જેમ્સ એક ગેંગ સાથે મળી દવાનું કૌભાંડ ચલાવતા હતા. ૧૦ મે ર૦૧રના રોજ સવારના સમયે આ હત્યા થઈ હતી. પતિએ જ પત્નીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તે જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમના પત્ની હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા તેમને શરીરમાં ઘણી ગોળીઓ મારવામાં આવી હતી. ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ બહુચર્ચિત કેસ મીડિયાના ધ્યાનમાં આવ્યા વિના ઠંડો પડી ગયો હતો પણ તપાસ એજન્સીઓએ અંતે આ કેસ ઉકેલી નાખ્યો હતો. પત્નીની હત્યા બાદ પણ ડોક્ટરે ડ્રગ્સનું ગેરકાયદેસર કૌભાંડ ચાલુ રાખ્યું હતું. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.