ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ફરજ પર ડોક્ટર હાજર ન હતા, જેથી રપથી ૩૦ મિનિટ હોસ્પિટલમાં કણસી રહ્યા, અડધો કલાક બાદ આવેલ ડોક્ટરે આવતાની સાથે જોરશોરથી બૂમો પાડવા લાગ્યા તથા ઈજાગ્રસ્તના પુત્રને બે-ત્રણ તમાચા ચોડી હોસ્પિટલની બહાર કાઢી અભદ્ર વર્તન કર્યું
વાગરા, તા.૧પ
વાગરા સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા વર્ગ-૨ના તબીબ નરોત્તમ ત્રિવેદીને સારવાર મેળવવા આવેલ દર્દીની સાથે રહેલા લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવતા તબીબે માર મારનાર ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે સદર પ્રકરણમાં સરકારી ડોકટર નરોત્તમ વિરૂદ્ધ પણ સારણના દર્દીના પુત્ર દ્વારા જિલ્લા પોલિસ વડા સહિત આરોગ્ય વિભાગમાં ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ આપતા આરોગ્ય તંત્રમાં હલચલની સાથે ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. વાગરાના સારણ ગામના યુવક સાહિલ રાજ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત અને વાગરા પો.સ.ઇ.તથા જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં સાહિલ રાજના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટનું કામકાજ કરતા તેઓના પિતા ઇબ્રાહિમ રાજનું તા.૧૧ના રોજ ઓચ્છણ ગામ પાસે સાંજના સુમારે બાઇક અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે વાગરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તત્કાલિક સારવાર વિભાગમાં સાહિલ રાજ સહિત ગામના સામાજિક અગ્રણીઓ, વડીલો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટર ગેરહાજર જણાયા હતા. ગંભીર ઇજાથી ઈબ્રાહીમ રાજ ૨૫થી ૩૦ મિનિટ હોસ્પિટલમાં કણસી રહ્યા હતા. ત્યારબાદ ડોક્ટર નરોત્તમ ત્રિવેદી અડધો કલાક બાદ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને આવતાની સાથે જ જોરશોરથી બુમો પાડી રહ્યા હતા. ઉપસ્થિત લોકો ગભરાઈ ગયા હતા. વધુમાં સાહિલ રાજને ડોકટર નશામાં હોવાનું લાગતા પોતાના પિતા ઇબ્રાહિમ રાજની વ્યવસ્થિત સારવાર નહિ કરી શકે તેમ લાગતા બીજા દવાખાના ખસેડવા માટે ડોકટર નરોત્તમને વાત કરી હતી. જેથી તબીબ સાહિલ રાજ સહિત હાજર લોકો પર એકદમ ક્રોધે ભરાયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. ડોકટર નરોત્તમે સાહિલ રાજને બે ત્રણ તમાચા ચોડી દીધા હતા અને ધક્કો મારી હોસ્પિટલની બહાર કાઢી મૂક્યો તેમજ ડોકટરને ન છાજે તેવું વર્તન આ તબીબે ઇબ્રાહિમ રાજ સાથે પણ કર્યું હતું. જેથી સાહિલ રાજે હોસ્પિટલની બહાર ઉભેલા અન્ય લોકોને પોતાના પિતા ને બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાની વાત કરી હતી. આથી અગ્રણીઓ ડોકટરને સમજાવવા તેઓની પાસે ગયા હતા. ત્યારે ડોક્ટરે આગેવાનો સાથે પણ ગાળા ગાળી કરી હતી. વધુમાં તબીબ નરોત્તમ ત્રિવેદી ઇબ્રાહિમ રાજની સારવાર કરવાને બદલે સાહિલ રાજ તેમજ હાજર અગ્રણીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન ૧૦૮ના ડ્રાયવર તેમજ અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હોવાના આક્ષેપો પણ અરજીમાં કરાયા છે. ડોકટર ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકીઓ આપી સાહિલ રાજ તેઓના પર ફરિયાદ ન કરે તે માટે આડકતરી રીતે દબાણ કરતા હોવાની ફરિયાદ સાહિલ રાજ દ્વારા કરવામાં આવી છે. સાહિલ રાજની ફરિયાદને પગલે સરકારી તબીબને મારનું પ્રકરણ ફરી એક વખત ચર્ચામાં આવી ગયું છે.
Recent Comments