(એજન્સી) તા.૨૩
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી અદ્રશ્ય દીવાલ ઊભી કરી છે જે કંપનીઓ માટે કુશળ વિદેશી કામદારોને હાયર કરવાનું વધુને વધુ મુશ્કેલ બનાવે છે એવું ઇમિગ્રેશન કાયદામાં નિષ્ણાતોના એક નવા અહેવાલમાં જણાવાયું છે.
મેરીટ આધારીત ઇમિગ્રેશન સિસ્ટમ માટે રાષ્ટ્રપતિની હિમાયત છતાં કંપનીઓ માટે હવે વિદેશી કામદારોની સેવા લેવાનું મુશ્કેલ બની ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારુઢ થયા બાદ પ્રથમ વર્ષ દરમિયાન રોજગાર આધારીત ઇમિગ્રેશનમાં મૂકવામાં આવેલા અવરોધોને કારણે હવે વિદેશી કામદારોને અમેરિકા અને અમેરિકન કંપનીઓમાં નોકરી મેળવવા માટે નિરુત્સાહી જણાય છે.
યુએસ સિટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસ દ્વારા હાઇસ્કિલ્ડ એચ-૧બી વિઝા માટેની અરજીમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે.૨૦૧૭માં ૨૩૬૦૦૦ અરજી એચ-૧બી વિઝા માટે મળી હતી જેની સામે આ વર્ષે આ અરજીનો આંકડો ઘટીને ૧૯૯૦૦૦ થઇ ગયો છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના અહેવાલમાં જણાવાયું હતું કે સ્કિલ્ડ વર્કર્સ, મેનેજર્સ, એક્ઝિક્યુટીવ અને અન્યો માટે નોન ઇમિગ્રન્ટ પિટિશનની અભૂતપૂર્વ ચકાસણી થતા અમેરિકન બિઝનેસને અસર પહોંચી છે.
ઇમિગ્રેશન વકીલોએ જણાવ્યું હતું કે નોકરીદાતા પુરસ્કૃત વિઝા માટે નવી નીતિઓને કારણે બિઝનેસ માટે મુશ્કેલી અને હાડમારી ઊભી થઇ છે. એચ-૧બી વિઝા અરજીની ચકાસણી અને તેને નકારવા માટે યુએસસીઆઇએસ દ્વારા જે નવા ધોરણો અને અર્થઘટનો કરવામાં ંઆવી રહ્યા છે તેના કારણે એમ્પ્લોયર્સ માટે સ્ટાફની ભરતી કરવામાં મુશ્કેલી પડી રહી છે એવું શિકાગોના બિઝનેસ ઇમિગ્રેશન એટર્ની અને અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના પ્રમુખ માર્કેટા લિંદતે જણાવ્યું હતું.
ટ્રમ્પ પ્રશાસને વિજ્ઞાન અને એન્જિનિયરીંગ બ્રેકગ્રાઉન્ડ ધરાવતા કર્મચારીઓની ભરતી માટે ઘણી ટેક કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા એચ-૨બી વિઝા પ્રોગ્રામ સામે નિશાન તાકીને ગઇ સાલ ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ એક્ઝિક્યુટીવ ઓર્ડર કર્યો હતો. એટલું જ નહીં ટ્રમ્પ પ્રશાસને અમેરિકામાં વિદેશી કામદારો સાથે તેમના જીવનસાથીને વિઝા માટે મંજૂરી આપતો નિયમ રદ કર્યો.