(એજન્સી) વોશિંગ્ટન, તા.૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નાના દીકરી ટિફની ટ્રમ્પે આફ્રિકન-અમેરિકન અશ્વેત નાગરિક જોર્જ ફ્લોઈડનાં મોત મામલે પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું છે. લો ગ્રેજ્યુએટ ટિફનીએ ઈન્સ્ટાગ્રામ પર જોર્જનાં મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે એક બ્લેક સ્ક્રીન પોસ્ટની સાથે હેલન કેલરનું ક્વોટ લખ્યું છે- આપણે એકલા થોડું જ પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ એક સાથે આપણે બધુ જ હાંસલ કરી શકીએ છીએ. ટિફનીએ આ પોસ્ટ વોશિંગ્ટનમાં સ્થિત વ્હાઈટ હાઉસની બહાર પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર ટિયર ગેસ છોડવાની ઘટના બાદ કરી છે. કેટલાક યુઝર્સ ટિફનીને માંગ કરી રહ્યા છે કે, તેઓ તેમના પિતાને આ વિરોધ અંગે સમજાવે, તો કેટલાક યુઝર્સે ટિફનીની આ પોસ્ટનો વિરોધ પણ કર્યો છે. ટિફનીની માતા માર્લા મૈપલ્સ (ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્ની)એ પણ પ્રદર્શનકારીઓના સમર્થનમાં બ્લેક સ્ક્રીન તસવીર પોસ્ટ કરી હતી. અમેરિકના મિનેસોટાના મિનેપોલિસ શહેરમાં પોલીસે છેતરપિંડીના કેસમાં ૪૬ વર્ષના અશ્વેત જોર્જ ફ્લોઈડની અટકાયત કરી હતી. જોર્જ એક રેસ્ટોરન્ટમાં સિક્યોરિટી ગાર્ડ હતો. ઘટનાનો વીડિયો વાયરસ થયો હતો જેમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું હતું કે, પોલીસે જોર્જના ગળા પર પગ મૂકી દીધું હતું જેને કારણે તેનું મોત થઈ ગયું હતું.