(એજન્સી) નવી દિલ્હી, તા.૮
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં જઈ પાડોશી ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોન્ગ ઉનને ચેતવણી આપતાં કહ્યું કે આ અંધારા રસ્તા પર ઉઠાવવામાં આવેલ તમારું (ઉત્તર કોરિયા) પગલું તમારા માટે વિનાશ લાવી રહ્યું છે તમે ઈચ્છો તેટલા હથિયારનું નિર્માણ કરી લો પરંતુ તેનાથી તમે સુરક્ષિત નહીં થઈ શકો. તમારા હથિયાર તમારી સરમુખત્યારશાહી પર આવેલા સંકટને વધારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનનો જવાબ આપતા ઉત્તર કોરિયાએ કહ્યું કે તેઓ પાગલ કૂતરાની વાતો પર ધ્યાન નથી આપતા. ઉત્તર કોરિયાએ ગત વર્ષે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાનો સર્વનાશ કરવાની ધમકી આપી હતી. દક્ષિણ કોરિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ ટૂંક સમય પહેલાં જ હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું જ્યારે ઉત્તર કોરિયા દ્વારા દાવો કરાયો હતો કે તેમની પાસે અમેરિકા સુધી હુમલો કરી શકે તેવા મિસાઈલ છે. આ પહેલાં ટ્રમ્પ જાપાન ગયા હતા અને ત્યાંથી પણ તેમણે ઉત્તર કોરિયાને ચેતવણી આપી હતી. જો કે, ચીન અને રશિયા જેવા દેશો ઉત્તર કોરિયાનો બચાવ કરી રહ્યા છે.