અમદાવાદ,તા.૨૧
૨૪ ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમેરિકાનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અગાઉ એવા અહેવાલો આવ્યાં હતા કે, તેઓ ગાંધી આશ્રમની મુલાકાત ટાળીને અમદાવાદથી સીધા આગરા તાજમહલ જોવા જશે. પરંતુ હવે એવા અહેવાલો મળી રહ્યાં છે કે ટ્રમ્પ ૨૪મીએ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે. સૂત્રોએ કહ્યું કે, ટ્રમ્પનો ૨૪મીનો વિગતવાર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરાયો ત્યારે તેમાં ગાંધી આશ્રમનો કોઇ ઉલ્લેખ નહોતો અને આગરા જશે એમ કહેવામાં આવ્યું હતું. તેની ટીકાઓ પણ થઇ હતી કે તેમના માટે ગાંધી કરતાં તાજ વધારે મહત્વના છે. જો કે વ્હાઇટ હાઉસ દ્વારા નવેસરથી નક્કી કરવામાં આવ્યું કે ભારતને આઝાદી અપાવનાર અને ગુજરાતી એવા રાષ્ટ્રપિતા ગાંધીજીના આશ્રમની મુલાકાત લેવાની મહાનુભાવોની પરંપરા રહી છે ઉપરાંત અમેરિકામાં ગુજરાતી મતદારો પણ તેનાથી નારાજ થઇ શકે એમ વિચારીને છેવટે હવે એમ નક્કી કરાયું છે કે ટ્રમ્પ અને તેમના પત્ની ૨૪મીએ અમદાવાદ પહોંચીને ગાંધી આશ્રમ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે તેમની સાથે રહેશે અને તેમને ગાઇડ પણ કરીને ગાંધી ચરખો કાંતવામાં મદદ કરે તેમ છે. સૂત્રોએ કહ્યું કે, કાર્યક્રમમાં નજીવો ફેરફાર છે. પરંતુ અગાઉ તેમાં સમાવેશ કરાયેલો જ હોવાથી તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ મુશ્કેલી નહીં પડે.