(એજન્સી) તા.૨૭
અમેરિકામાં વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના લોકો અને ભારતીય-અમેરિકનોના મળતા વ્યાપક સમર્થન માટે ખૂબ આભારી છે. વ્હાઇટ હાઉસે આ ટિપ્પણી એક સર્વેના જવાબમાં કરી હતી જેમાં સંકેત આપવામાં આવ્યો હતો કે, યુએસના કેટલાક મુખ્ય રાજ્યોમાં ભારતીય સમુદાયના ૫૦ ટકાથી વધુ સભ્યો નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની તરફેણમાં જઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારાહ મેથ્યુઝે તાજેતરના સર્વે પરિણામો પરના સવાલના જવાબ આપતી વખતે આ ટિપ્પણી કરી હતી. ભારતીય-અમેરિકનો કે, જેઓ સામાન્ય રીતે ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે તેઓ ૩ નવેમ્બરની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પની તરફેણમાં હશે. મેથ્યુએ જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના લોકો અને અમેરિકાના લાખો ભારતીય-અમેરિકનો તરફથી મળેલા વિશાળ સમર્થન માટે ખૂબ આભારી છે.’ ટ્રમ્પ વિક્ટ્રી ઈન્ડિયન-અમેરિકન ફાઈનાન્સ કમિટીના સહ અધ્યક્ષ અલ મેસન દ્વારા હાથ ધરાયેલા સરવેના પરિણામો અનુસાર ચૂંટણીના મુકાબલામાં મહત્ત્વપૂર્ણ રાજ્યો જેમ કે, મિશિગન, ફ્લોરિડા, ટેક્સાસ, પેન્સિલવેનિયા અને વર્જિનિયામાં ૫૦ ટકાથી વધુ ભારતીય-અમેરિકી ટ્રમ્પના પક્ષમાં જઇ રહ્યાં છે. રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતીય અમેરિકી સમુદાય સુધી પહોંચ બનાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે તેમના નજીકના સંબંધોએ તેમને ભારતીય અમેરિકીઓના હૃદયમાં સ્થાન અપાવવામાં ઘણી મદદ કરી છે. મેથ્યૂઝે કહ્યું કે, ટ્રમ્પે અમારા અર્થતંત્રને વધારવા, અમારી સંસ્કૃતિને સમૃદ્ધ કરવા અને અમારા સમુદાયને મજબૂત કરવામાં ભારતીય અમેરિકીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી હતી.