(એજન્સી) તા.૨૧
આગામી ૨૫ મેના રોજ દેશમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. જો કે, નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવનારા યાત્રીઓને મુસાફરી કરવાની છૂટ નહીં અપાય. મંત્રાલયે ગુરૂવારે તેની ગાઈડલાઈન્સમાં જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપમાં જો કોઈ યાત્રીનું સ્ટેટસ રેડ જણાશે તો તેને પણ વિમાનમાં મુસાફરી કરવા દેવામાં નહીં આવે. તમામ પ્રવાસીઓ મુસાફરી કરતાં પહેલાં સેલ્ફ ડિકલેરેશન ફોર્મ પણ ભરવું પડશે. જો કોઈ પેસેન્જર આ દરમિયાન હવાઈ મુસાફરી માટે યોગ્ય નહીં ઠેરવાય તો તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ગાઈડલાઈનમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. જો કે, અન્ય યાત્રીઓને પણ સુરક્ષાત્મક ગિયર, ફેસ માસ્ક પહેરવા નિર્દેશ અપાયો છે અને તેમણે ટર્મિનલમાં પ્રવેશતાની સાથે જ આ તમામ પ્રકારના નિર્દેશોનું પાલન કરતા રહેવું પડશે. ઈન્ફેક્શન ન ફેલાય તે હેતુસર તમામ યાત્રીઓને એરપોર્ટ સુધી પહોંચતા પહેલાં તમામ પ્રકારની તકેદારીઓ રાખવી પડશે. તમામ પ્રકારના પ્રિકોશન લેવા પડશે. શરૂઆતના તબક્કામાં દરેક પ્રવાસી એક નાનકડી હેન્ડબેગ સાથે લાવી શકશે અને એક વન ચેક બેગ સાથે રાખી શકશે.

કોવિડ-૧૯ : દિલ્હી-મુંબઈ વચ્ચેનું વિમાન ભાડું ૩૫૦૦
રૂપિયાથી ૧૦,૦૦૦ની વચ્ચે રહેશે : કેન્દ્ર સરકાર

(એજન્સી) તા.૨૧
સરકારે જાહેરાત કરી છે કે, આગામી સોમવાર એટલે કે ૨૫ મેથી સ્થાનિક હવાઈ સેવાઓ શરૂ થશે. લોકડાઉનની શરૂઆત થયાના લગભગ બે મહિના પછી શરૂ થનાર આ સેવા માટે જરૂરી ગાઈડલાઈન્સ અને SOP અગાઉથી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ પર ફિઝિકલ ચેક ઈન નહીં થાય, આરોગ્ય સેતુ એપ જરૂરી છે અને સાથે કોઈ પણ વિમાન ત્રીજા ભાગની સેવા સાથે ઉડાન ભરી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે કે, સર્વસંમતિ સાથે અમે ૨૫ મેથી તબક્કાવાર રીતે વિમાન સેવા શરૂ કરીશું. ઉનાળાના શિડ્યુલ ૨૦૨૦ના હિસાબે દરેક વિમાન ત્રીજા ભાગના પ્રવાસીઓ સાથે ઉડાન ભરી શકશે. એ જ રીતે સાપ્તાહિક ડિપાર્ચરની મહત્તમ મર્યાદા ૧૦૦ હશે. આ વિમાનોમાં પ્રવાસ કરવાના ભાડાને લઈને હરદીપ પુરીએ જણાવ્યું છે કે, રૂટને ૭ સેક્શનમાં વહેંચવામાં આવશે અને એના આધારે જ ભાડું લેવામાં આવશે.ર આ હિસાબે દિલ્હીથી મુંબઈ સુધી વિમાનમાં મુસાફરી કરવાનું લઘુત્તમ ભાડું રૂા.૩૫૦૦ અને મહત્તમ ભાડું રૂા.૧૦,૦૦૦ હશે, જે ૯૦ મિનિટથી ૧૨૦ મિનિટની કેટેગરીમાં આવે છે. એરલાઈન્સ કંપનીઓને કોરોના વાયરસને પગલે તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે, જેમ કે પીપીઈ સૂટ પહેરવું, સેનિટાઇઝેશન વગેરે. હરદીપ પુરીએ જણાવ્યું છે કે, અગાઉ એરલાઈન કંપનીઓ પોતાનું લઘુત્તમ અને મહત્તમ ભાડું પોતાની વેબસાઇટ પર આપતી હતી. હવે અમે રેલવેના ભાડાને ધ્યાનમાં રાખીને ભાડા નક્કી કરવાનું વિચાર્યું છે, જે રિયલિસ્ટ એટલે કે વાસ્તવિક છે. અમે વાસ્તવિક ભાડાના દર નક્કી કર્યા છે, જેથી કોઈ પણ બિઝનેસને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હરદીપ પુરીએ વચ્ચેની સીટ ખાલી રાખવા વિશે કહ્યું છે કે, પ્રવાસ દરમિયાન વચ્ચેની સીટ ખાલી છોડવામાં નહીં આવે. દરેક ઉડાન પછી વિમાનને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. પ્રવાસીઓ અને ક્રૂ માટે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે. જો વચ્ચેની સીટ ખાલી છોડવામાં આવે, તો એનો ભાર પ્રવાસીઓને ભોગવવો પડે.