(એજન્સી) મુંબઈ, તા.રર
શેરબજારની સાથે સાથે રૂપિયામાં પણ ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. દિવસમાં આજે મંદી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો ૬૫ની સપાટીને પાર કરીને ૬૫.૦૪ની સપાટીએ રહ્યો હતો. બુધવારના દિવસે અમેરિકી ડોલર સામે રૂપિયો ૬૪.૭૬ની સપાટીએ રહ્યો હતો. અમેરિકી ડોલરમાં મજબૂતી જોવા મળી હતી. સેંસેક્સ ઘટીને બંધ રહ્યો હતો. અમેરિકામાં રેટમાં વધારાની અપેક્ષા વચ્ચે અન્ય ઇન્ડેક્સમાં અફડાતફડી રહી હતી. સ્થાનિક માર્કેટમાં પણ રૂપિયાની ચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી ભારતીય શેરબજારમાંથી એક અબજ ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે. મૂડીરોકાણકારો અમેરિકાના ફેડ રિઝર્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. યુએસ ટ્રેઝરી યિલ્ડમાં ઉંચા સરકારી ધિરાણના પરિણામ સ્વરુપે વધારો થયો છે. ફેડરલ રિઝર્વની છેલ્લી પોલિસી મિટિંગના પરિણામ ગઇકાલે જારી કરવામાં આવ્યા હતા. રૂપિયામાં હાલ દબાણની સ્થિતિ રહી શકે છે. જો મૂડી માર્કેટમાંથી વિદેશી રોકાણકારો નાણા પરત ખેંચવાનો સિલસિલો જારી રાખશે તો રૂપિયા ઉપર વધુ દબાણ આવશે. આર્થિક સુધારાને લઇને આશા હોવા છતાં હાલની સ્થિતિમાં વૈશ્વિક રોકાણકારો પણ સાવધાનીપૂર્વક આગળ વધવા ઇચ્છુક છે. ડોલરની ચાલ ઉપર પણ તમામની નજર રહેલી છે. છ અન્ય મોટા ચલણના બાસ્કેટની સામે ગ્રીન બેક ડોલરમાં નવી આશા દેખાઈ રહી છે. આજે ગુરૂવારના દિવસે ૨૫ પોઇન્ટ ઘટીને ૩૩૮૧૯ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૦૩૮૩ની સપાટી પર રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ ૦.૪ ટકા ઉછળીને બંધ રહ્યો છે.