(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
જાણીતા બાળકોના ડોક્ટર અને કર્મશીલ ડૉ. કફીલ ખાન, જેઓ સરકારના અત્યાચારોનો ભોગ બનેલ છે એમણે યુરોપીય યુનિયનને ભારતના બધા જ રાજકીય વિરોધીઓ અને કર્મશીલો સાથે ઉભા રહેવા અને સમર્થન આપવા વિંનતી કરતો પત્ર લખ્યો છે. જેઓ ભારત સરકારના કડક કાયદા લાગુ કરાયા હોવાના લીધે જેલોમાં બંધ છે.
ઈ.યુ.ને લખેલ પત્રમાં ડૉ. ખાને લખ્યું છે કે સરકાર પોતાની સત્તાની રૂએ વિરોધીઓનો અવાજ દબાવી રહી છે અને એમના વાણી સ્વતંત્રતાના અધિકારને ખૂંચવી રહી છે. એ સાથે એમણે ભારતમાં માનવ અધિકારનો મુદ્દો ઉઠાવવા માટે ઈ.યુ.નો આભાર માન્યો હતો.
હાલમાં જ યુરોપીય યુનિયનની માનવ અધિકારની પેટા કમિટીના અધ્યક્ષ મેરી અરેનાએ રાજકીય વિરોધીઓ અને માનવ અધિકારોના ભંગ બદલ ભારતના ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.
ખાને અરેનાને લખેલ પત્રમાં રાજકીય વિરોધીઓને અપાતી ધમકીઓ અને હુમલાઓનો ઉલ્લેખ કર્યું છે. એમણે લખ્યું છે કે સત્તાવાળાઓ માનવ અધિકારોના મુદ્દાઓ ઉઠાવનારા અને રાજકીય વિરોધીઓ સામે સતત ત્રાસવાદી વિરોધી કાયદાઓ અને દેશદ્રોહના કાયદાઓનો દુરુપયોગ કરી રહ્યા છે અને મહિનાઓથી કોઈ પણ કાર્યવાહી ચલાવ્યા વિના જેલમાં બંધ કરી રહ્યા છે.
ખાને ગોગોઈ, ઉમર ખાલિદ, શર્જીલ ઈમામ, નવલખા અને અન્યોની ધરપકડોનો ઉલ્લેખ કરી ભારતની જેલોમાં અપાતી યાતનાઓ પણ જણાવી હતી.
ડૉ. ખાનને બે વખત કોઈ પણ કારણ વિના જેલમાં જવું પડ્યું હતું. પહેલી વખત ૨૦૧૭ના વર્ષમાં ગોરખપુરની હોસ્પિટલમાં બાળકોના મોતની દુર્ઘટના સંદર્ભે એમણે જેલમાં જવું પડ્યું હતું. જોકે પછીથી તપાસ કમિટીની રીપોર્ટમાં એ નિર્દોષ ઠરાવાયા હતા. બીજી વખત એમણે સી.એ.એ. વિરૂદ્ધ ઉશ્કરેણી જનક ભાષણ આપવા માટે જેલમાં જવું પડ્યું હતું.
Recent Comments