ભરૂચ, તા.૮
તાજેતરમાં ડો. બાબા સાહેબનું જાહેર અપમાન કરી રાષ્ટ્રનું અપમાન કરવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેને ભરૂચ જિલ્લાનો દલિત સમાજ અને આંબેડકર વિચારધારાને અનુસરતા લોકો સખત શબ્દોમાં વખોડી નાખે છે. ભરૂચમાંથી યુ ટ્યુબ ચેનલ ચલાવતા પુનિત રામશંકર વર્માએ તેના સાથીદારો ધ્રુવકુમાર સોલંકી, હાર્દિક રસિકભાઈ લિમ્બચિયા અને મનીષ ચંદુભાઈ વસાવા સાથે મળી ડો. બાબાસાહેબ આંબેડકરને ટેડીબિયર સાથે સરખાવી હડહડતુ અપમાન કર્યું છે. પુનિત વર્માએ તેના સાથીદારો સાથે મળી ડો.બાબા સાહેબ આંબેડકરની મજાક કરતા હોય તેવા વીડિયો બનાવ્યા છે. ડો.બાબા સાહેબની પ્રતિમાના પ્લેટફોર્મ પર બેસી બાબા સાહેબની પ્રતિમાના માથા પર હાથ ફેરવી મજાક ઉડાવી અપમાનિત કર્યા છે. ડો.બાબા સાહેબ જેવા રાષ્ટ્રપુરૂષને મજાકનું સાધન બનાવતો વીડિયો યુ ટ્યુબ ચેનલ “લૂલી ગેંગ”માં પ્રસારિત કરી તેમનું અપમાન કર્યું છે. આ માત્ર બાબાસાહેબનું અપમાન નથી પણ રાષ્ટ્રનું અપમાન છે. જેના કારણે દલિત સમાજ ઉપરાંત ડો. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લઈને ચાલતા અને માનતા તમામ વર્ગના લોકોની લાગણી દુભાઈ છે. ભરૂચના રેલ્વે ક્રિકેટ મેદાનમાં બનેલી નિંદનીય ઘટનામાં રાષ્ટ્રનું અપમાન હોઈ ધાર્મિક લાગણીની સાથે સાથે રાષ્ટ્રીય લાગણીઓ પણ દુભાતા પુનિત વર્મા સહિત તેના સાથીદારો સામે તે પ્રમાણેનો ગુનો દાખલ કરી કાયદેરની કાર્યવાહી કરવાની સમગ્ર દલિત સમાજ સહિત ડો. બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને લઈને ચાલતા અને માનતા લોકોની માંગ છે. સાથે સાથે રાષ્ટ્રપુરૂષોના જાહેર અપમાનના કિસ્સાઓમાં પોલીસ જાતે ફરિયાદી બને અને રાષ્ટ્રના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તે મુજબ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવા વિશેષ કાનૂની જોગવાઈ ઊભી કરવા સરકારને અપીલ કરીએ છીએ.