(એજન્સી) મુંબઈ, તા.૨૩
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા ભારતીસિંહ અને એમના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં આવી હતી. એમના ઘરે અને અંધેરીની ઓફિસમાં પાડવામાં આવેલ દરોડા દરમિયાન ગાંજો મળી આવ્યો હતો જેના સંદર્ભે એમની ધરપકડ કરાઈ હતી. આજે બંનેને ડ્રગ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. ભારતીસિંહ અને એમના પતિ હર્ષ લિંબાચિયાને રવિવારે એનસીબી દ્વારા મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા એ પછી કોર્ટે બંનેને ૪થી ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ આપ્યો હતો. ભારતીને કલ્યાણની જેલમાં અને હર્ષને તલોજા જેલમાં મોકલવામાં આવ્યા હતા.
જ્યુડિશિયલ કસ્ટડી પછી આ દંપતીએ વકીલ અયાઝખાન દ્વારા જામીન અરજી દાખલ કરી હતી. વકીલે રજૂઆત કરી હતી કે, એમની સામે કોઈ પૂર્વ ગુનાહિત રેકર્ડ નથી જેથી એમના ભાગી જવાનો કોઈ પ્રશ્ન નથી. રજૂઆત પછી એનસીબીએ કોઈ જવાબ રજૂ નહીં કરતા ભારતીસિંહ અને એમના પતિ હર્ષ લિંબાચિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
વકીલ અયાઝખાને રજૂઆત કરી હતી કે, જે કલમો હેઠળ બંનેની ધરપકડ કરવામાં આવી છે એ હેઠળ મહત્તમ સજાની જોગવાઈ એક વર્ષની છે અને મેજિસ્ટ્રેટને જામીન મંજૂર કરવાની સત્તા છે. આવા કેસમાં ફરિયાદ પક્ષને સંભાળવાની કોઈ જરૂર રહેતી નથી.
જો કે, કોર્ટે તેમ છતાંય એનસીબીના જવાબની બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધી રાહ જોઈ હતી પણ કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો. જેથી કોર્ટે બંનેના જામીન મંજૂર કર્યા હતા.
એનસીબીએ મળેલ બાતમીના આધારે ભારતીના ઘરે અને ઓફિસમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ગાંજો મળી આવ્યો હતો. ભારતીનું નામ એક ડ્રગ પેડલર દ્વારા બહાર આવ્યું હતું.
પૂછપરછ દરમિયાન બંનેએ ગાંજાનો ઉપયોગ કરવાની કબૂલાત કરી હતી, એમની કબૂલાતના પગલે એમની ધરપકડ એનડીપીએસની કલમો ૨૦ (બી) (ૈૈ) (છ) અને ૮ (ષ્ઠ) અને ૨૭ હેઠળ કરાઈ હતી.