વડોદરા,તા.ર૬
વહેલી સવારે બરોડા ડેરીનું દૂધ ઉતારવા જતાં ટેમ્પો ચાલકની નિષ્કાળજીના કારણે ટેમ્પો ક્લીનરનું ટેમ્પોના પાછળના વ્હીલમાં આવી જતાં મોત નિપજ્યું હતું. પોલીસે ટેમ્પોચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મકરપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સિસોસિયાએ જણાવ્યું હતું કે, ગોધરાના કાશીપુરા ટુવાનોના રહેવાસી મહેશ વિક્રમભાઈ ચાવડા (ઉ.વ.ર૦) બરોડા ડેરીના દૂર કેન્દ્ર ઉપર દૂધ આપવા જતા જાકીર સિંધીના ટેમ્પોમાં કંડક્ટર અને દૂધના કેરેટ ઉતારવાનું કામ કરતો હતો. આજે વહેલી સવારે પ વાગે તરસાલી શાક માર્કેટ પાસે ટેમ્પોમાંથી દૂધના કેરેટ ઉતારી રહ્યો હતો. તે સમયે ટેમ્પો ચાલકે એકાએક ટેમ્પોમાં રિવર્સમાં લેતા મહેશ ચાવડા ટેમ્પોના પાછળના પૈડાંમાં આવી જતાં ગંભીર ઈજા પામ્યો હતો. ઈજાગ્રસ્તને તુરંત જ ડભોઈ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો ટેમ્પો ચાલક સામે નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.