• રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નિયમોમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી

• વર્કલોડને લઈ આરટીઓ કચેરીઓના સમય વધારવા સાથે રવિવારે પણ ચાલુ રખાશે

• ટુ-વ્હીલર વાહનના ટેસ્ટ વખતે હેલ્મેટ પણ ફરજિયાત

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
ડ્રાઈવિંગ લાયસન્સ ક્ષેત્રે રાજ્યમાં ભારે ધસારો રહેતો હોઈ તેને લઈને સરકાર દ્વારા વિવિધ નિર્ણયો-ફેરફારો કરવામાં આવતા રહે છે. જેમાં હવે ટુ-વ્હીલર વાહનોમાં ડ્રાઈવિંગ લાયસન્સના ટેસ્ટ માટે સાઈડ મીરર અને હેલ્મેટ ફરજિયાત કરવા ઉપરાંત ફોર-વ્હીલર વાહનોમાં ઓટોમેટિક કાર દ્વારા પણ ટેસ્ટ આપી શકાશે તેવા નિર્ણયો લેવાયા છે. આ ઉપરાંત વર્કલોડને લઈ રાજ્યની આરટીઓ કચેરીઓનો સમય વધારવા તેમજ રવિવારે પણ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે.
રાજ્યમાં ફરી એકવાર ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વાહનચાલક ઓટોમેટિક કારથી પણ હવે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે, આ સિવાય સાઈડ મિરર વગરના વાહનો દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે નહીં. આરટીઓમાં ફોર વ્હિલર લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. કોઈ પણ અધિકારી કે ટેસ્ટ સાથે સંકળાયેલા પ્રાઇવેટ એજન્સીના માણસો રિવર્સ કેમેરા, સેન્સર્સ ટેક્નોલોજીથી સજ્જ મોટરકારથી ટેસ્ટ ડ્રાઇવ માટે ઇનકાર કરી શકશે નહીં. તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવે જણાવ્યું હતું. અત્યાર સુધી આરટીઓ રૂલ્સનું મનસ્વી અર્થઘટન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક ને બદલે મેન્યુઅલ અર્થાત ગિયરવાળી કારને જ એન્ટ્રી આપવામાં આવતી હતી. સુરત- અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો આવી કારથી અપાયેલા ટેસ્ટને રિજેક્ટ કરવામાં આવતા હતા. નાગરિકોને પડતી આ મુશ્કેલી સંદર્ભે અગ્રસચિવ સુનયના તોમરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આરટીઓમાં સેન્સર આધારિત ટ્રેકિંગ સિસ્ટમમાં આટોમેટિક કારથી ડ્રાઇવિંગ ટેસ્ટ માન્ય હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ અગ્રસચિવે આરટીઓમાં ઓટોમેટિક કારને પણ માન્ય રાખવા આદેશો કર્યા હતા. ટ્રાફિક રૂલ્સ સંદર્ભે સર્જાયેલી અરાજકતા વચ્ચે વાહન વ્યવહાર વિભાગની અગાઉ હાઇલેવલ બેઠક મળી હતી. જેમાં લાઇસન્સ, પીયુસી સહિત કામકાજ માટે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતની તમામ ક્ષેત્રિય કચેરીઓ દરરોજ સવારે બે કલાક વહેલા કાર્યાન્વિત કરવા તેમજ રવિવારે પણ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. સરકારના ટોચના અધિકારીએ કહ્યં કે, આ ટેક્નોલોજી સેફ્ટી માટે છે. પરંતુ, સેન્સર બેઝડ ટ્રેકિંગ સિસ્ટમનું સંચાલન કરી રહેલી પ્રાઇવેટ એજન્સીઓ ઓટોમેટિક કાર કે રિવર્સ કેમેરાથી ટેસ્ટ માન્ય રાખે તો લાઇસન્સ માટે અરજી કરનાર નાગરિકને પહેલી જ ટેસ્ટમાં સફળતા મળી શકે. વારંવાર ટેસ્ટ આપવા ન આવે તો પ્રોસેસ ફીના નામે થતી તેની આવક ઘટે તેમ હોવાથી ઓટોમેટિક અને કેમરા આધારિત મોટરકારનો સ્વીકાર કરવામાં આવતો નહોતો. હવે કોઈ પણ અધિકારી કે એજન્સી તેનો ઇનકાર કરી શકશે નહીં. આવી ફરિયાદો માટે સરકાર એક કોલસેન્ટર જેવં મિકેનિઝમ પણ શરૂ કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.