(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૨
વાહનોથી ધમધમતા કિર્તી મંદિર પાસે આજે બપોરે ડ્રેસ મટીરીયલ શો રૂમમાં નોકરી કરતાં કમર્ચારી ઉપર બાઇક સવાર બે યુવાનોએ હુમલો કરી રૂા.૧.૬૫ લાખ રોકડા સહિત રૂા.૩.૨૫ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ લૂંટારૂ ટોળકીનો ભોગ બનનાર યુવાન રહસ્યમય ગુમ થયા બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો. આ બનાવ અંગે રાવપુરા પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરનાં રાવપુરા રોડ પર ખત્રીપોળમાં યોગેશ્વર હાઉસ નામનાં જથ્થાબંધ ડ્રેસ મટીરીયલનો શો રૂમ આવેલ છે. આ શો રૂમમાં છેલ્લાં પાંચ વર્ષથી વિજય ઠક્કર નામનો યુવાન નોકરી કરે છે. પેઢીનું બેંકનું કામકાજ પણ તે સંભાળે છે. આજે બપોરે વિજય ઠક્કર કિર્તી મંદિર પાસે આવેલ એચ.ડી.એફ.સી. બેંકમાંથી રૂા.૧.૬૫ લાખ ઉપાડીને પોતાની મોટરસાઇકલ ઉપર શો રૂમ તરફ પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન કિર્તી મંદિર પાસે બાઇક ઉપર ધસી આવેલા બે અજાણ્યા લૂંટારૂઓએ વિજય ઠક્કરની મોટરસાઇકલને લાત મારી પાડી દીધી હતી. અચાનક થયેલ હુમલાને પગલે તે હજુ કાંઇ સમજે તે પહેલા બંને લૂંટારૂઓ રૂા.૧.૬૫ લાખ રોકડ મુકેલી બેગ તેમજ બેગમાં મુકેલ રૂા.૧.૬૦ લાખનો કોટક બેંકનો ચેક લૂંટી ફરાર થઇ ગયા હતા.
લૂંટારૂઓ સીધા રાવપુરા રોડ પર રાજહંસ કોમ્પલેકસમાં આવેલ કોટક મહિન્દ્રા બેંકમાં પહોંચી ગયા હતા. અને બેંકમાં ચેક રજુ કરી રૂા.૧.૬૦ લાખ ઉપાડી ફરાર થઇ ગયા હતા. દરમ્યાન આ બનાવની જાણ પેઢી સંચાલક અને વહીવટકર્તા મહેન્દ્રભાઇ વાળાને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા વિજય ઠક્કરની શોધખોળ કરી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો. પોલીસે પેઢીનાં સંચાલકોને પણ વિજય ઠક્કર અંગે પુછપરછ કરી હતી. પરંતુ પેઢીનાં સંચાલકોએ પણ પોલીસને વિજય ઠક્કર અંગે કંઇ ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસ પેઢીનાં સંચાલકોની પુછપરછ કરી રહી હતી તે દરમ્યાન ઇજાગ્રસ્ત વિજય ઠક્કર સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઇ ગયો હતો. જેથી આ લૂંટ અંગે સંચાલકો કાંઇ છુપાવી રહ્યાં હોવાની શંકા પોલીસ સેવી રહી છે.