નવી દિલ્હી,તા.૯
ચીને કૈલાશ માનસરોવર યાત્રા માટે ભારતીય શ્રદ્ધાળુઓને મોટી રાહત આપી દીધી છે. ચીન સરકારે અંતે ભારતીય શ્રદ્ધાળુઓને નાથુલા માર્ગ મારફતે યાત્રા કરવાની મંજુરી આપી દીધી છે. ચીને ડોકલામમાં સરહદી પ્રશ્ને ભારત સાથે વિસ્ફોટક સ્થિતી સર્જાઇ ગયા બાદ ગયા વર્ષે જુન મહિનામાં નાથુલા મારફતે કૈલાશ માનસરોવરની યાત્રા પર પ્રતિબંધ મુકી દીધો હતો. કૈલાશ માનસોરવર યાત્રા આ માર્ગ મારફતે આગળ નહી વધશે તેવી વાત કરીને ચીને ચર્ચા જગાવી હતી. જો કે હવે સ્થિતી સામાન્ય બન્યા બાદ આ વર્ષે નાથુલા માર્ગ મારફતે કૈલાશ યાત્રાને મંજુરી આપી દીધી છે. ચીનના આ પગલાને બન્ને દેશો વચ્ચે વિશ્વાસ નિર્માણની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવે છે. અધિકારીઓએ કહ્યુ છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે મતભેદો ભુલી જવાની વાત થઇ રહી છે. બન્ને દેશો મતભેદો ભુલીને આગળ વધી રહ્યા છે. ભારતે આ મુદ્દે ચીન સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વિદેશ પ્રદાન સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ પ્રધાન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ રાજ્યપ્રધાન વીકે સિંહે બુધવારે કહ્યુ હતુ કે ચીન સરકારે ભારતની રજૂઆત બાદ વાત સ્વીકારી લીધી છે. લોકસભામાં આ અંગેની માહિતી આપતા તેમણે કહ્યુ હતુ કે ચીન સરકારે નાથુલા માર્ગ મારફતે કૈલાશ માનસરોવર યાત્રાને ફરી આગળ વધારી દેવાની મંજુરી આપી દીધી છે. બન્ને દેશ હાલમાં નાથુલાના રસ્તા મારફતે જુનથી સપ્ટેમ્બર દરમિયાન થનાર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા માટે તૈયારીમાં લાગેલા છે. કેલાશ માનસરોવર યાત્રા ભારતીયો માટે ખાસ મહત્વ રાખે છે.