કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ આપણા દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ટિપ્પણી કરતાં કહેલું કે, ખેડૂતોને શાંતપૂર્ણ આંદોલન કરવાનો અધિકાર છે, તે ભારતે કરવા દેવું જોઈએ. ભારતે તરત જ પ્રતિભાવ આપ્યો કે, અમારા દેશની બાબતમાં તમે માથું ન મારો. અને કેનેડાના ભારત ખાતેના રાજદૂતને બોલાવી આવી ટિપ્પણીથી બંને દેશો વચ્ચેના સંબંધો પર માઠી અસર થવાની ચીમકી આપી. આ બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે ચગતાં જ યુકે-બ્રિટનના ૩૬ જેટલા સાંસદોએ વડાપ્રધાન મોદીને ખેડૂતો સાથે ચર્ચા કરવાની વાત કહી. આ અંગે પત્ર પણ લખ્યો. આ સાંસદોમાં પંજાબ સાથે સંબંધ ધરાવતા ૩૬ સાંસદોએ કૃષિ બિલ અંગે વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દો ઉઠાવવા કહ્યું. એ પત્ર પર સહી કરનાર સાંસદોમાં ફક્ત લેબર પાર્ટીના સાંસદો જ નહીં પણ કન્ઝર્વેટિવ, સ્કોટિશ નેશનલ પાર્ટીના પૂર્વ શ્રમ નેતા જેરેમી કોર્મિન જેવા અનેકે સહી કરી.
એ પછી હવે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુઝારિકે કહ્યું કે, ભારતના ખેડૂતોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને અધિકારીઓએ ખેડૂતોને આંદોલન કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, અમે લોકોને તેમના હિત માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવતા જોવા માંગીએ છીએ. સરકારે તેમને વિરોધ કરતાં રોકવા જોઈએ નહીં.
હવે સવાલ એ છે કે, આપણા વિદેશમંત્રી જયશંકરે કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોના ખેડૂતોના ટેકામાં કહેવા પર નારાજગી દર્શાવવા કોરોના અંગેની કેનેડામાં થનારી આજે સોમવારે ૭ ડિસેમ્બરે થનારી બેઠકમાં ગેરહાજર રહેવાનું નક્કી કર્યું છે. કારણ એ બતાવાયું કે, પૂર્વ નિર્ધારિત રોકાણને લઈ કોરોના અંગેની એ બેઠકમાં આપણા વિદેશમંત્રી હાજર નહીં રહી શકે. માની લઈએ કે, આ રીતે કેનેડાના પ્રધાનમંત્રીથી નારાજગી બતાવાઈ, પણ હવે નારાજગીનો સિલસિલો જયશંકરજી બ્રિટન, યુએન (સંયુક્ત રાષ્ટ્ર) સુધી દર્શાવશે ?
ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલન અંગે દુનિયાનો કોઈપણ દેશ ટિપ્પણી કરે તે આપણા દેશની બાબતમાં દખલગીરી એટલે ન ગણાય કે, માનવાધિકારોનું જ્યાં હનન થઈ રહ્યું હોય ત્યાં કોઈપણ દેશે માનવ અધિકારોનું હનન કરતો હોય તે અંગે પોતાનો અભિપ્રાય આપી શકે છેે. આપણા પ્રધાનમંત્રી મોદીજીએ જ્યારે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ની જે સરા જાહેર ટિપ્પણી કરેલી તે ત્યાંના રાજકારણમાં સીધી દખલગીરી ન ગણાય ? એવા સવાલો થવા સ્વાભાવિક છે છતાં અમેરિકાના કોઈ રાજકીય પક્ષે મોદીજીની એ અપીલની કોઈ ટીકા-ટિપ્પણી તે વેળા સામે આવી નથી.
આમ ખેડૂતોના આંદોલન અંગે કેનેડાના પ્રધાનમંત્રી કંઈ કહે, બ્રિટિશ સાંસદો કે ેંદ્ગ કહે તે ખુલ્લા મને સાંભળવું રહ્યું, એ જ લોકશાહી-માનવાધિકારનો પાયો છે.