ભરૂચની કોલેજમાથી સાયન્સની ડિગ્રી લઈ પિતાના નિધન પછી ભરૂચ જિલ્લાના ખ્યાત મહિડા પરિવારે અહમદભાઈને એમના પિતા મોહમ્મદ પટેલ (જેમને લોકો દેશની ક્રાંતિમાં ભાગ લીધો હોવાથી કાંતિ પટેલના હુલામણા નામે ઓળખાતા હતા.) ભરૂચના અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ હતા,તે જવાબદારી યુવા વયે જ અહમદભાઈને ચૂંટીને સોંપી. એ પછી અહમદભાઈની રાજકીય સફર છેક દિલ્હી લોકસભા સુધી પહોંચી. તે વેળા કોંગ્રેસમાં પડેલા ભાગલાના એક જૂથના વડા ઈન્દિરા ગાંધી હતાં. તેમણે ભરૂચ જિલ્લાની બેઠક પર હરિસિંહ મહિડાના સૂચનથી અહમદભાઈ પર ઉમેદવાર તરીકે પસંદગી ઊતારી, ને તેઓ બમ્પર બહુમતીથી ૧૯૭૭માં ફક્ત ર૬ વર્ષની વયે સાંસદ બન્યા. તેઓ એ લોકસભામાં સૌથી નાની વયના સાંસદ હતા.
આમ ગાંધી પરિવાર સાથે એમનો નાતો બંધાયો, તે પછી તો સતત ત્રણ વાર લોકસભા સાંસદ, પાંચવાર રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા.
કોંગ્રેસ પક્ષને, સેવાને વરેલા અહમદભાઈ દિલ્હીની રાયસીના હિલના દિગ્ગજોની એકદમ નજીક હોવા છતાં જમીન સાથે જોડાયેલા રહ્યા, સાચા અર્થમાં દેશની, ગુજરાતની, ભરૂચ જિલ્લાની સેવા કરતા રહ્યા. એમની ખાસિયત હતી કે, ક’દી આ બધા સેવાકાર્યોનો યશ લેવાની ખેવના નથી રાખી. તેઓ દિલ્હીમાં હોય કે, ભરૂચ-પિરામણ એમના વતનમાં હોય. ગુજરાતના કોઈપણ પક્ષના લોકો તેમની પાસે કંઈ કામ લઈને જાય ત્યારે નાત-જાત ધર્મના ભેદભાવ વગર લોકોના કામો ઉલટભેર કરતા રહ્યા.
કોંગ્રેસ પક્ષની લીલી-સૂકી વેળા તેમણે પક્ષ માટે દિલ દઈને કામ કર્યું, કરતા રહ્યા. તે છતાં પણ કોંગ્રેસના સાથી પક્ષો હોય કે, વિપક્ષો હોય તેમના દિગ્ગજ નેતાઓ સાથેનો તેમનો ઘરોબો સરસ તાલમેલથી બનાવી રાખતા. એટલે જ કહી શકીએ કે તેઓ કોંગ્રેસ પક્ષના રાજકારણના ચાણક્ય હતા.
તેમના નિધનથી દેશને, ખાસ તો ગુજરાત, ભરૂચ જિલ્લાને ન પૂરાઈ એવી ખોટ હંમેશાં સાલતી રહેશે. સતત ૪૦-૪પ વર્ષના સમય સુધી દિલ્હીના તખ્તોતાજની નજીક રહ્યા છતાં તેમનામાં અહંકારનો એક છાંટો પણ ન હતો.
એમણે દેશ માટે, ગુજરાત, ભરૂચના વિકાસ માટે લાઉડ થયા વગર ચૂપચાપ ગણ્યા ગણાય નહીં તેટલા કામો કર્યા. કોંગ્રેસ કેન્દ્રની સત્તામાં લાંબો સમય રહી, પણ અહમદભાઈએ ક’દી મંત્રી મંડળમાં સામેલ થવાની ઉત્કંઠતા નથી રાખી. તેઓ ફક્ત અને ફક્ત કોંગ્રેસ પક્ષની ફિકર રાખી તેમાં પ્રાણ પૂરતા રહ્યા. એટલે તો વડાપ્રધાનશ્રી મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરી તેમને કોંગ્રેસના તેજ તર્રાર નેતા કહ્યા. તે એ અર્થમાં કે તેઓ કોંગ્રેસની નાવના અદના નાવિક હતા. તેઓ રાજકારણમાં સત્તા માટે નહીં સેવાની ભેખ લઈને દાખલ થયેલા. તેઓના પિતા મોટા ખેડૂત હતા. અને અહમદભાઈ તેમના પુત્ર તરીકે એક માત્ર સંતાન હતા. બહેનોને પણ અહમદભાઈ હંમેશાં દિલથી ચાહતા હતા. જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ. He born with gold spoon. (તેઓ જન્મથી સુખી સંપન્ન કુટુંબના ફરજંદ હતા.)
ક્રિકેટ પણ એમને ખૂબ પ્રિય હતી. યુવાવયે ખૂબ ક્રિકટ રમેલા. એ સ્પોર્ટમેન સ્પિરીટ રાજકારણમાં એમને ખૂબ હાથવગી રહી.
ગાંધી પરિવારમાં ઈન્દિરા, રાજીવ, સોનિયાજીથી લઈ રાહુલ-પ્રિયંકા સૌ તેમને માનપૂર્વક રાખતા, પક્ષના ખજાનચીથી લઈ સોનિયાજીના રાજકીય સલાહકાર, પક્ષના જનરલ સેક્રેટરી, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકેની કામગીરી તેમણે નિષ્ઠાપૂર્વક નિભાવી. જે ખોટ પક્ષને, ગાંધી પરિવારને પણ ખૂબ સાલશે.
ગુજરાત-ભરૂચ કોંગ્રેસને પણ રાજકારણના આકાશમાં એક ઝળહળતો સિતારો ગુમાવ્યાનું દુઃખ ભરપાઈ થઈ શકે તેમ નથી. મુસ્લિમો સહિત સર્વ સમાજના લોકો તેમની સમસ્યાઓ, પ્રશ્નો લઈને જાય તો ઉકેલ માટે તત્પર રહેતા, સારા-સાચા સલાહ સૂચનો આપતા. એમની આ સેવાઓની અવેજી પૂરી શકે તેવો એક પણ નેતા પક્ષ પાસે હાલ તો નથી. પણ અહમદભાઈ સાથે જે નેતાઓને (ગુજરાતમાં) નાતો હતો તેઓએ અહમદભાઈના આદર્યા અધૂરા રહ્યા છે તે પૂરા કરવા આગળ આવી, પ્રજાથી ઘનિષ્ઠ નાતો બનાવી ખોટ ભરપાઈ કરવી જોઈએ. એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. અલ્લાહ મર્હૂમને તેમની નેકીઓના બદલામાં મગફિરત ફરમાવે, જન્નતુલ ફિરદૌશમાં આલા મકામ અતા ફરમાવે. તેમના એકના એક પુત્ર ફૈઝલ, પત્ની મેમુનાજી, પુત્રી મુમતાઝ તથા એમની બહેનો, અન્ય સગા-સંબંધીઓ-ચાહકોને સબ્રે જમીલ અતા ફરમાવે. (આમીન)