દુનિયાના બે દેશો યુકે (ઈંગ્લેન્ડ) અને અમેરિકામાં કોરોના વેક્સિનના રસીકરણની શરૂઆત થઈ ગઈ. હવે બે-ત્રણ સપ્તાહમાં આપણા ત્યાં પણ કો’વેક્સિન આપવા માટેની કામગીરીની તૈયારી પૂરજોશમાં થઈ રહી છે. રસીને ગરમીથી સલામત રાખવા માટે ફ્રિઝ, ડીપ ફ્રિઝ વગેરે પહોંચાડાયા છે. રસીકરણ માટે લોકો પણ ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. પણ જે રસી આપવામાં આવશે તે સંપૂર્ણ સેફ (સલામત) છે એની કોઈ ગેરંટી ન તો એ રસી બનાવનાર ફાર્મા કંપની આપે છે કે, ન તો દેશની કેન્દ્ર-રાજ્યોની સરકાર આપે છે. કેન્દ્ર સરકારે તો રસીનો જથ્થો દરેક રાજ્યોમાં પહોંચતા પહેલાં જ દરેક રાજ્યોને તડને ફડ કહી દીધું કે, કોરોનાની રસી આપ્યા બાદ એની આડ અસર પણ થઈ શકે છે, એટલે રાજ્યોએ એ માટેની તૈયારી રાખવી રહી. એ તૈયારી એટલે શું ? આપણે એમ કહી શકીએ કે, જે કોઈ વ્યક્તિ-વ્યક્તિઓને કોરોના રસીકરણ પછી આડ અસર થાય તો તેને માટેના ઉપાયો માટેની તૈયારી રાખવી. જેમાં દવા-ઈન્જેકશન વગેરે હોઈ શકે. પણ કેન્દ્ર સરકારે ખાલી રાજ્યોને તકેદારી રાખવા કહી દેવાથી રાજ્યો રસીની આડ અસરના સંજોગો ઊભા થાય તો તેને પહોંચી વળવા જેટલી સ્વાસ્થ્ય સજ્જતા છે ખરી ? એવો નિષ્ણાંત સ્ટાફ, તે માટે જોઈતી કઈ દવા કે કયા ઈન્જેકશનો ઉપલબ્ધ ખરાં ? આ બધાની વિગતો કેન્દ્રે પણ રાજ્યોથી મેળવવી જોઈએ, અને તેમની પાસે એમાં ઊણપ હોય તો તે કેન્દ્રએ સાધનોથી એ માટેની આર્થિક ગ્રાન્ટ ફાળવીને અત્યારથી જ કરવી જોઈએ. નહીં તો કદાચ એવી આડ અસર થવાના સંજોગો ઊભા થાય ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું ન થાય.
આપણે જાણીએ છીએ કે, કોરોનાની રસી કોરોના થવાને એક વરસ પૂરૂં થવા પહેલાં ઘણાં દેશો તેની ફાર્મા કંપનીઓએ ઉતાવળે માર્કેટમાં ઠલવવા માંડી. બાકી ભૂતકાળમાં પોલિયોની રસી શોધતાં ૧૮ વરસ થયેલા, અને એ આપ્યા બાદ કેટલાકને એની આડ અસરો થયેલી. એવું જ ફ્લુની રસી શોધવામાં ર૭ વર્ષ લાગેલા, અને એઈડસની રસી માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો આજે પણ રાત-દિવસ મહેનત કરે છે છતાં હજી તેમને એમાં સફળતા હાથ લાગી નથી. તો પછી કોરોનાની વેક્સિન શોધવાની વિવિધ દેશોની કંપનીઓની હરિફાઈમાં તેને પૂરી ચકાસણી વગર માર્કેટમાં ઠલવી દેવાથી અર્થ સરશે ખરો ?
આમ આ અનુભવોના આધારે કોરોના રસી અંગે અનુમાન લગાવી શકાય કે, એ રસી લીધા પછી કોરોનાથી બચી જ જવાશે કે, કોઈ આડ અસર નહીં જ થાય એની કોઈ ખાતરી મળતી નથી. એટલે જ તો ફાઈઝર ફાર્મા કંપનીએ કેન્દ્ર રસકારને લેખિતમાં જણાવ્યું કે, જો અમારી રસીથી કોઈ આડ અસર થાય તો વ્યક્તિ-વ્યક્તિઓને થનાર આડ અસરનું વળતર આપવાની જવાબદારી સરકારની રહેશે. કેન્દ્રે આ અંગે જવાબદારી લેવાની કોઈ જાહેરાત કરી નથી. ઉલટાનું રાજ્ય સરકારોને આડકતરી રીતે કહી દીધું કે, રસીની આડ અસર થઈ શકે છે, તમારે તૈયારી રાખવી.
આપણા ત્યાં હરિયાણાના સ્વાસ્થ્યમંત્રીએ કોરોના રસી ટ્રાયલમાં લીધા પછી કોરોના સંક્રમિત થયા અને હવે તેમની તબિયત વધુ લથડતાં તેમને મેદાંતામાં ખસેડાયા છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની આંખોમાં ૧પ દિવસમાં ઈન્ફેકશન થતાં ૧૩ જેટલા દર્દીઓની આંખોની રોશની જતી રહી છે. એવું જ બ્રિટનના ૧ કરોડ લોકોને ટિયર-૩ લેવલના લોકડાઉન હેઠળ રખાયા છે. કોરોના વાયરસના નવા સ્ટેન જોવા મળી રહ્યા છે. જેને લઈ ઘણાં મોતમાં મુખમાં ય ધકેલાયા છે.
આ બધું જોતાં-જાણતાં એક વાત સૌ કોઈએ ગાંઠે બાંધવાની જરૂર છે કે, કોરોનાથી બચવા માટેના જે જે ઉપાયો છે. તેનો અમલ અચૂક સૌએ કરવો જ જોઈએ. જેઓ બેદરકારી રાખશે તેમને કોરોના ઝટ ઝપટમાં લઈ શકે છે. એટલે તો ગુજરાતીમાં કહેવત છે કે, પહેલું સુખ તે જાતે નર્યા.(હેમખેમ રહેવું તે)