(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૩૧
ઉપરવાસમાં થઈ રહેલા વરસાદ તેમજ રાજસ્થાનનાં મહી બજાજ સાગર ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા કડાણા ડેમમાં પાણીની આવક વધતા સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પાણી વણાકબોરી ડેમમાંથી સીધે સીધુ મહિસાગર નદીમાં છોડવામાં આવતા મહિસાગર નદી ગાંડીતુર બની છે,અને ડેમમાંથી છોડાયેલા પાણી ગત મધ્યરાત્રી બાદ આણંદ જિલ્લામાં પ્રવેસતા નદીમાં જળ સ્તર વધી ગયું હતું અને ઉમેટા ગામમાં પાણી પ્રવેશી ગયા હતા,જયારે કોઠીયાખાડા ભાઠા વિસ્તારમાં તમાકુનાં પાકમાં પાણી ફરી વળતા ભારે નુકશાન થયું છે. મળતી વિગતો અનુસાર કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી ગત મધ્યરાત્રે આણંદ જિલ્લામાં પ્રવેસ્યા હતા અને ઉમેટા પાસે મહીનદીનાં ધુધવતા નીર જોવા માટે આજે સવારે સહેલાણીઓ ઉમટી પડયા હતા જયારે ઉમેટા ખડોલ માર્ગ પર પુરનાં પાણી ફરી વળતા આ માર્ગને વાહન વ્યવ્હાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો,જયારે બોરસદ તાલુકાનાં કોઠીયાખાડ ભાઠા વિસ્તારમાં પુરનાં પાણી ફરી વળતા તમાકુ અને ડાંગરનાં પાકને ભારે નુકશાન થયું છે
. જયારે ઉમરેઠ તાલુકાનાં ખોરવાડ,પ્રતાપપુરા, આણંદ તાલુકાનાં આંકલાવડી, રાજુપુરા,ખાનપુર,બોરસદ તાલુકાનાં ગાજણા,સારોલ,કંકાપુરા નાનીસેરડી,દહેવાણ,વાલવોડ તેમજઆંકલાવતાલુકાનાં ચમારા,બામણગામ,ઉમેટા,આમરોલ,આસરમા,નવાખલ,ભેટાસી વાંટા,અને ગંભીરા ગામનાં સીમ વિસ્તારોમાં ખેતરોમાં નદીનાં પુરનાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને સીમ વિસ્તારમાં ખેતરોમાં રહેતા કેટલાક લોકોને ગામમાં આવવા જવાનાં માર્ગો બંધ થઈ જતા લોકો ફસાઈ ગયા હતા. ડેમમાંથી પાણી છોડાતા વહીવટીતંત્ર દ્વારા ૩૪ જેટલા ગામોને એલેર્ટ કરવામાં આવ્યા હતા,અને નદીનાં ભાઠામાં રહેતા લોકોને ઉંચાણવાળા સ્થળે ખસી જવા સુચનાઓ આપવામાં આવી હતી,જેને લઈને લોકો પુરનાં પાણી ફરી વળે તે પહેલાજ સલામત સ્થળે ખસી ગયા હતા.આજે વાસદ પાસે પણ બ્રીજની નીચેથી ધસમસતા જતા નદીનાં પાણી જોવા માટે લોકો બ્રીજ પર ઉમટી પડયા હતા. જયારે ખેડા જિલ્લાનાં ગળતેશ્વર પાસે ગળતેશ્વર અને વડોદરા જિલ્લાનાં સાવલી ગામને જોડતા બ્રીજ પર મહીનદીનાં પુરનાં પાણી ફળી વળતા બ્રીજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રીજ પાસે પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.