(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨૧
સુરત સહિત દેશમાં હાહાકાર મચાવનાર સરથાણાના તક્ષશીલા કોમ્પ્લેક્ષની અગ્નિકાંડની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું. આ ઘટનામાં મોતને ભેટેલા તમામ ૨૨ માસુમ વિદ્યાર્થીઓના પરિવારજનો સહિતનાઓએ આજે રાત્રે પોતપોતાના ઘરે દીપ પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પી હતી. જો કે, અત્યંત આશ્ચર્યની વાતતો એ છે કે આ ઘટના માટે જવાબદાર તમામને સુરત મનપાના ભાજપ શાસકો દ્વારા કોરોનાની મહામારીના ઓથાટળે ફરી ફરજ ઉપર હાજર કરી દેવાયા છે.
ન્યાય માટે મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો અનેકવાર તંત્રને રજૂઆત કરી ચુકયા છે. પુણ્યતિથી નિમિત્તે રાત્રિના સમયે શહેરીજનોને પોતાની બાલ્કની કે ઘરમાં રહીને દિપ પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લોકડાઉનમાં બધાએ એક થઇને તાળીઓ પાડીને દિવા પ્રગટાવી કોરોના વોરીયર્સનું સન્માન કર્યુ છે તો હવે આ મૃતકોને શ્રદ્ધાંજલી મળે તે માટે શહેરીજનોએ રાત્રિના ૯ વાગ્યે પોતાની બાલ્કની કે ઘરમાં રહીને દીપ પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી અને બાળકોના હત્યારાઓને સજા થાય તેવી પ્રાર્થના પણ કરાય હતી.