(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સીઆઇડી તપાસ માટેની માંગ કરતી અરજી કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને નોટિસ પાઠવી છે. સમગ્ર કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ ૨૬ જૂન સૂધીમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં માર્યા ગયેલા બાળકોના વાલીઓએ હાઈકોર્ટમાં તપાસની માંગ કરી છે.
સરથાણા તક્ષશીલા આર્કેડમાં ૨૪મી મેના રોજ શોર્ટ સર્કીટના કારણે ફાટી નિકળતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તક્ષશીલા આર્કેડમાં બંધાયેલા ગેરકાયદેસર ડોમમાં અભ્યાસ કરી રહેલા ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતાદ્‌ અને ૧૫થી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનાના પડઘા સુરત સહિત દેશભરમાં પડ્યા હતા. ત્યારબાદ સુરત સહિત રાજ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા હતા. આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી ૮થી વધુ જવાબદાર અધિકારીઓની ધરપકડ કરી છે. પરંતુ મૃતકોના પરિવારોને આ તપાસથી સંતોષ ન હોવાને કારણે હાઇકોર્ટમાં સીઆઇડી તપાસની માંગની અરજી કરી હતી. જેને લઇને હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને પોલીસને નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ ૨૬મી જૂન સુધી રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.