(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં બનેલ આગની દુર્ઘટનામાં સંકળાયેલા આરોપીઓ સામે ડીસીબી સોમવારે સવારથી સાંજ સુધીમાં ચાર્જસીટ રજૂ કરશે એવું ડીસીબીના એસીપી આર. આર. સરવૈયાએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. ર૪મી મેના રોજ સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં આવેલા એક ટયુશન કલાસના એ.સી.ના કોમ્પ્રેસરના આઉઠ લેટમાં આગ લાગી હતી. આ આગમાં રર વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતાં. સરથાણા પોલીસ મથકમાં આઈપીસી-૩૦૪ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ કરનારા ડીસીબીના ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શન અને સૂચના હેઠળ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જયેશ સોલંકી, વી.કે. પરમાર, એસ. કે. આચાર્ય, કીર્તિ માંઢ, દિપક નાયક, સહિત અન્ય આરોપીઓ તથા બિલ્ડરની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતાં. ડીસીબી આ તમામ આરોપીઓ સામે સોમવારે સવારથી સાંજ સુધીમાં ચાર્જસીટ કોર્ટમાં રજૂ કરશે. ચાર્જસીટ કેટલા પાનાની હશે, કેટલાં સાક્ષીઓ, એફએસએલનો રિપોર્ટ તથા કેટલા આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. તેની વિગતો સોમવારે જાણવા મળશે.